SURAT

સુરત: એક્ટિવા પર ટ્યૂશન જતા ધો. 10ના વિદ્યાર્થીને ટ્રકે ટક્કર મારતા મોત

સુરત(Surat): શહેરમાં વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે અકસ્માતોની (Accident) ઘટનામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. રોજ કોઈના કોઈ રસ્તા પર ભારે વાહનોની અડફેટમાં નિર્દોષ વાહનચાલકોના મોતના કિસ્સા સામે આવે છે. હજુ બે દિવસ પહેલાં મોપેડ પર નોકરીએ જતા દંપતીને ટ્રકે અડફેટે લેતા પત્નીનું મોત નિપજ્યું હતું, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં વધુ બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં મોત થયાં છે.

  • સુરતમાં 24 કલાકથી ઓછા સમયમાં ટ્રક અડફેટે બે આશાસ્પદ યુવકોના મોત
  • દરગાહ પર દર્શન કરવા જતાં યુવકને પાંડેસરામાં ટ્રકે અડફેટે લીધો
  • લિંબાયતનો ધો. 10નો વિદ્યાર્થી ટ્યૂશન જતો હતો ત્યારે ટ્રકે કચડ્યો
  • શહેરના રસ્તા પર બેફામ દોડતાં ભારે વાહનો પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ

શહેરના શાસકો મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે હજુ સુધી શહેરના શાસકો અને પોલીસ તંત્ર માંતેલા સાંઢની જેમ રસ્તા પર બેફામ દોડતા ભારે વાહનો પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. તંત્રની નિષ્ફળતાની સાબિતી આપતો એક બનાવ આજે લિંબાયતમાં બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 7 વાગ્યાના અરસામાં લિંબાયતમાં ખાનપુરા પટેલ હોલ પાસે રહેતો 17 વર્ષીય શમશુલ મંજુર આલમ ઘરેથી એક્ટિવા પર ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. તૈયબા મસ્જિદ પાસે તે પહોંચ્યો ત્યારે બેફામ ફૂલસ્પીડમાં દોડતી ટ્રકે શમશુલને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક યુવકને ઉધના દરવાજા ખાતે આવેલ એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

આ અગાઉ ગઈકાલે તા. 14 ફેબ્રુઆરીએ એક યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ઉન પાટીયા ખાતે રહેતો 17 વર્ષીય શાહિલ અન્સારી વેલેન્ટાઈન ડેની મોડી સાંજે પાંડેસરામાં દરગાહે દર્શન માટે જઈ રહ્યો હતો. ત્યારે એલ એન્ડ ટીની ટ્રકે યુવકને અડફેટે લેતાં તેનું કરૂણ મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. આ બંને ઘટનામાં પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top