સુરતઃ (Surat) ગોવા (Goa) ગયેલા અલથાણના યુવકને ગોવાના ભેટેલા પરિચીત મિત્રોએ (Friends) એક યુવતી સાથે મુલાકાત કરાવી મોબાઈલમાં કુબેર એક્સચેન્જની લિંક (Link) મોકલી હતી. અને અલગ અલગ ગેમ રમાડી હતી. બાદ અજાણ્યાએ ફોન કરી ગેમ રમવા બદલ ૭ લાખની માંગણી કરી હતી. સુરત આવ્યા બાદ યુવકનું અપહરણ કરી તેની પાસેથી ૮૫ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા.
અલથાણ કેનાલ રોડ પર રઘુવીર સીમ્ફનીમાં રહેતા ૩૨ વર્ષીય અખિલ સંજય ભાટિયા વેસુ ખાતે આવેલી સસરાની ફૂડ બેગ નામની દુકાનમાં નોકરી કરે છે. તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં નીતિન ચુગ, દીપક ચુગ, આઇશા, મુન્ના રાજા, મનીષ, કિશન જીવરજાની, ગૌરંગ, સંજયભાઇ, અમિત નથવાણી તથા બીજા 11 જેટલા અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. ગત 10 માર્ચે તે પત્ની, બાળકો અને સાસુ-સસરા સાથે ગોવા ફરવા ગયો હતો. તેમના પહેલા ઓળખીતા નીતિન ચુગ તથા દીપક ચુગ પણ ગોવા ફરવા માટે ગયા હતા. નીતિન ચુગ અવારનવાર ફોન કરી ગોવા બીગ ડેડી કસીનોમાં મળવા માટે બોલાવતો હતો. જેથી ૧૨ માર્ચે અખિલ બે વાગ્યે બિગ ડેડી કસીનોમાં ગયો હતો. ને થોડીવાર બેસીને નીકળી આવ્યો હતો.
બીજા દિવસે સવારથી નીતિન ચુગના ફોન આવતા હતા. બાદ રાત્રે અગિયારેક વાગ્યે પરિવાર સાથે મેંગોટ્રી રેસ્ટોરન્ટમાં જમવા બેસેલા, ત્યારે નીતિન ચુગ તથા તેનો ભાઇ દીપક ચુગ એક છોકરીને લઈ મેંગોટ્રી રેસ્ટોરન્ટમાં ગયા હતા. સાથે આવેલી છોકરીનું નામ આઇશા હોવાનું અને તે તેની ફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. બાદ આઇશાએ તેના મોબાઇલમાં એક કુબેર એક્સચેન્જની લિંક મંગાવી હતી. તેમાં અલગ અલગ ગેમ બતાવી હતી. અખિલે રૂપિયા તો આપવાના નથી ને? તેવું પૂછતાં આઇશાએ આમાં કોઇ રૂપિયા આપવાના નથી. આ ડેમો લિંક હોવાનું કહ્યું હતું. ત્યારબાદ કુબેર એક્સચેન્જની લિંક ઓપન કરી અલગ અલગ ગેમ જોઈ હતી. આઇશાના મોબાઇલમાં બેટરી લો હોવાથી આ કુબેર એક્સચેન્જની લિંક અખિલના મોબાઇલમાં ઓપન કરી ગેમ રમી હતી. અખિલ રૂમ ઉપર આવી ગયો પછી તેના મોબાઇલ ફોનમાં કુબેર એક્સચેન્જની લિંક ઓપન હોવાથી ટાઇમ પાસ માટે અલગ અલગ ગેમ રમી થોડીવાર પછી સૂઇ ગયો હતો.
૧૩ તારીખે સવારે અજાણ્યાનો ફોન આવ્યો હતો અને પોતાની ઓળખાણ રાજકોટથી કિશન હોવાની આપી હતી. અને ગઇકાલે રાત્રે આઇશાએ જે લિંક મંગાવી હતી તેમાં તમે ગેમ રમ્યા છો તેના ૭ લાખ આપવાના છે તેમ કહ્યું હતું. અખિલે રૂપિયા વગર ગેમ રમ્યા હોવાનું કહેતાં અજાણ્યાએ તમારે રૂપિયા તો આપવા જ પડશે, નહીંતર અમારી રીતે રૂપિયા કઢાવી લઇશું તેવી ધમકી આપી હતી. થોડીવાર પછી નીતિન ચુગે તેને પણ ફોન આવ્યાનું કહ્યું હતું. બાદ બીજા નંબર પરથી ફોન આવ્યો અને “તમે રૂપિયા નહીં આપો તો તમારા ઘરે આવીને રૂપિયા લઇ જઇશું.’ તેમ કહેતાં અખિલે હું અત્યારે પરિવાર સાથે ગોવા છું, સુરત આવીને ૫છી વાત કરીશું તેમ કહી ફોન મૂકી દીધો હતો.
૧૫ માર્ચે સુરત આવી ગયા હતા. ૧૬ માર્ચે નીતિન ચુગે ફોન કરી ગેમ રમેલા તેના રૂપિયા માંગવા અવારનવાર ફોન આવતો હોવાનું અને સુરતના મુન્ના રાજા નામના માણસને રૂપિયા કઢાવવા માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું. ૧૭ માર્ચે મુન્ના રાજાએ વરાછા, સીમાડા નાકા આવી ફોન કરવા કહ્યું હતું. અખિલ ત્યાં પહોંચતાં સીમાડા નાકા, પટેલ મોટર્સની ગલીમાં બોલાવ્યો હતો. ત્યાં જતાં એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી ઊભી હતી. તેની પાસે ઊભેલા મુન્ના રાજા તરીકેની ઓળખ આપનારી વ્યક્તિએ બળજબરી ગાડીમાં બેસાડ્યો હતો. બાદ પૈસાની માંગણી કરી તમારે રૂપિયા તો આપવા જ પડશે તેમ કહી માર માર્યો હતો. અને સાંજે ભટાર ન્યૂ સિટી લાઇટ રોડ ઉપર પપ્પુ ટી સેન્ટર પાસે ઉતારી ગયા હતા. એ વખતે મુન્ના રાજાએ અત્યારે તમે જાવ રાત્રે સાડા આઠેક વાગે નીતિન ચુગ સાથે મળીશું.’ અને ક્યારવ દરબાર તેઓની ગાડીમાં બેસી મોપેડ લેવા માટે ગયો હતો.
ત્યારબાદ રાત્રે સાડા અગિયારેક વાગે સાંઇ કેજી બિલ્ડિંગની સામે, અલથાણ ખાતે નીતિન ચુગ તથા દીપક ચુગે તેમના પાંચેક માણસોને બોલાવ્યા હતા. અખિલના કારીગર ધીરજ, શિવમ તથા ધીરજના માસીના છોકરા સાથે પટ્ટા તથા લાકડાના ડંડા વડે માર માર્યો હતો. અખિલ વચ્ચે પડતાં તેને ડાબા હાથના કાંડા ઉપર ઇજા થઈ હતી. ૧૮ તારીખે મુન્ના રાજાએ અખિલને તેની ઓફિસમાં બોલાવી તેના માણસો મારફતે મારામારી કરાવી અખિલના ખીસ્સામાંથી બળજબરી ૩૫ હજાર કઢાવી લીધા હતા. તથા અખિલના પેટીએમમાંથી કિશન જીવરજાનીના ફોન પે એકાઉન્ટમાં ૫૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. કુલ ૮૫ હજાર બળજબરીથી કઢાવી લીધા હતા. આ મામલે સાયબર પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.