સુરત: (Surat) સુરતમાં પારંપારિક ઘીસનો (Ghees) ફરી રંગ જામ્યો છે. હોળી પછી ત્રીજાના દિવસે એટલે કે રવિવારે મહિધપુરાની શેરીઓમાંથી પારંપરિક ઘીસનું જુલુસ નીકળ્યું હતું. ઘીસ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જોનારા લોકો અને ઘીસ વગાડનારા લોકોનો ઉત્સાહ જોઈને પારંપારિક ઘીસ ફરી જીવંત થઈ ઉઠી હોય તેવા ર્દશ્યો સુરતની પરા વિસ્તારની શેરીઓમાં સર્જાયા હતા. મહિધપુરાની (Mahidharpura) દાળિયા શેરી ખાતેથી જુલુસ શરૂ થયું હતું જ્યાં પાંચ શેરીના કલાકારો ઢોલ, ત્રાંસા સાથે ભેગા થયા હતા. સુરત શહેર પોલીસ કમિશ્નર (police Commissioner) અજય તોમર, પંકજ કાપડિયા તેમજ અન્ય અગ્રણીઓએ મંચ પરથી લીલી ઝંડી બતાવી ઘીસના જુલુસની શરૂઆત કરાવી હતી.
હોળીના ઉત્સવ બાદ મનાવાતી સુરતની પારંપરિક ઘીસની શરૂઆત જાણે ફરી સુરત શહેરમાં થઈ ગઈ છે. એક સમયે વિલુપ્ત થઈ ગયેલી આ પ્રથા રવિવારે ફરી જીવંત કરવામાં આવી હતી. રવિવારે સાંજે પાંચ વાગ્યે મહિધરપુરા દાળિયાશેરીના ગણેશ મંદિરથી ઘીસની શરૂઆત કરવામાં આવી હતી. પાંચ અલગ અલગ શેરીના ઢોલ-ત્રાંસા વગાડનાર કલાકારો દાળિયા શેરીમાં ભેગા થયા હતા. દાળિયા શેરીથી નિકળી જદાખાડી થઈ જુલુસ પીપળા શેરી પહોંચ્યું હતું. ત્યાર બાદ ઢોલ-ત્રાંસા વગાડતા ઘીસ રામપુરા થઈ રુઘનાથપુરાથી સતી માતાનાં મંદિરે પહોંચી હતી. અહીં ઘીસનું સમાપન કરવામાં આવ્યું હતું. ઘીસમાં પરંપરા મુજબ કલાકારો ઢોલ અને ત્રાંસા સાથે નીકળ્યા હતા. 20 વર્ષ બાદ ફરી પરંપરા શરૂ થતા લોકોમાં ઉત્સાહ અને આંનદ જોવા મળી રહ્યો હતો. આ પરંપરામાં ભાગ લેવા યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરેક શેરીમાં ઘીસનું સ્વાગત ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરી કરવામાં આવ્યું હતું.
મંચ બન્યું આકર્ષણનું કેન્દ્ર
20 વર્ષ બાદ ફરી સુરતની શેરીઓમાં શરૂ થયેલી ઘીસની પરંપરાનો ઉત્સવ લોકોમાં એક અનેરો ઉત્સાહ અને આંનદ લઈને આવ્યો હતો. આ પરંપરાને ફરી જીવંત કરનારા એવા સામાજિક અગ્રણી કાપડિયા હેલ્થ ક્લબના પંકજ કાપડિયાએ આ અનોખી પહેલી કરી છે. ત્યારે આ પરંપરાને સુરતીઓનો પૂરતો સહકાર મળે તે માટે પોલીસ કમિશ્નર અજય તોમરે પણ પહેલ કરી છે. ત્યારે આ પ્રોગ્રામમાં મંચ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પારંપરિક ઉત્સવમાં મંચ પણ પારંપરિક રાખવામાં આવ્યો હતો. એટલેકે શેરીના ઓટલાને મંચ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં જ પોલીસ કમિશ્નર માટે ખુરશીઓ ગોઠવી તેમને આવકાર્યા હતા.
મહિલાઓનો ઉત્સાહ જોવા જેવો
ઘીસની પરંપરા લગભગ 20 વર્ષ બાદ ફરી શરૂ થતા મહિલાઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરીની વૃદ્ધ મહિલાઓએ પણ ઘીસની પરંપરાને મન ભરીને માણી હતી. ઘીસમાં કેટલીક મહિલાઓ પણ ઢોલ-ત્રાંસા સાથે મેદાનમાં ઉતરી હતી. દરેક ઉંમરની મહિલાઓએ પોતાની કમર પર ઢોલ લટકાવી જોશભેર ઘીસ વગાડી હતી.
દેરક ગ્રુપનો જુદો ડ્રેસ કોડ
પાંચ શેરીઓના ભેગા થયેલા કલાકારોએ પોતાની અલગ ઓળખ ઉભી કરવા અલગ અલગ ડ્રેસ કોડ રાખ્યો હતો. જેમાં પહેલા નંબરની ઘીસના કલાકારોનો ડ્રેસ કોડ આછા ગુલાબી રંગનો હતો. આ ઘીસમાં યુવા સહિત વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો, ત્યાર બાદ બીજા નંબરની ઘીસનો ડ્રેસ કોડ સફેદ હતો. ત્રીજા નંબરની ઘીસમાં સફેદ કુર્તા અને કાળા કલરની ઓઢણી હતી. જેમાં પણ મોટેભાગે વડીલોએ ભાગ લીધો હતો.