સુરત: (Surat) ડાયમંડ સિટી (Diamond City) સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી જેમ્સ એન્ડ જ્વેલરીનો (Gems and Jewellery) સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. જે કોર્સ શરૂ કરવા માટે સુરત ડાયમંડ એસોસિએશનને યુનિવર્સિટીને પૂરો સહકાર આપ્યો છે. યુનિવર્સિટીની આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ફેકલ્ટી અને સુરત ડાયમંડ એસોસિએશન (Diamond Association) સાથે મળીને આ કોર્સ (Course) માટેનો અભ્યાસક્રમ તૈયાર કરશે.
- ડાયમંડ સિટી સુરતમાં યુનિવર્સિટી નવા સત્રથી જેમ્સ એન્ડ જ્વેલરીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે
- યુનિવર્સિટીની આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ફેકલ્ટી અને સુરત ડાયમંડ એસોસિએશન સાથે મળી અભ્યાસક્રમ બનાવશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખીને યુનિવર્સિટીના આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ફેકલ્ટી દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી હતી. જેને એકેડેમિક કાઉન્સિલ બાદ સિન્ડિકેટે મંજૂરી આપી હતી. જેથી હવે નવા શૈક્ષણિક વર્ષ 2023-24થી જેમ્સ એન્ડ જ્વેલરીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ફેકલ્ટીએ સિલેબસ તૈયાર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન ફેકલ્ટીએ સુરત ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરી હતી. આ બેઠક પૂર્વ મંત્રી નાનુ વાનાણીની અધ્યક્ષતામાં થઈ હતી.
બેઠકમાં આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના એચઓડી રાજેશ મહેતા, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયા, ઉપપ્રમુખ અમિત કોર, ખજાનચી રાજેશ લુંગરિયા, સંયુક્ત સચિવ કિશોર વઘાસિયા, અધ્યક્ષ શૈલેષ નાસુરિયા અને વરિષ્ઠ પ્રતિનિધિ રોહન શાહ હાજર રહ્યાં હતાં. બેઠકમાં કોર્સના સિલેબસ કેવો હોવો જોઇએ, ભણાવવાની મેથડ કયા પ્રકારની હોવી જોઇએ, પ્રેક્ટિકલ એજ્યુકેશન કઈ રીતે આપવું સાથે સાથે લોકલ, સ્ટેટ અને ઇન્ટરનેશનલ લેવલ પર માર્કેટિંગ કઇ રીતે કરવું? તે સહિતની બાબતો પર અનેક ચર્ચા થઈ હતી. અંતે આખો કોર્સ માર્કેટને ધ્યાને રાખીને તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કઈ રીતે કરવું તે મામલે પણ ચર્ચા થઇ હતી.
કોર્સમાં આ કન્ટેન્ટ સમાવાશે
- ડિઝાઈનની ફિલોસોફી,
- ડિઝાઈનના ઘટકો,
- મૂળભૂત સિદ્ધાંત,
- ડિઝાઈનના વિવિધ ક્ષેત્રનો ઈતિહાસ
- દુનિયામાં ડિઝાઇનનું મહત્વ
- જેમ્સ એન્ડ જ્વેલરી માટે હીરા
- રત્ન અને ધાતુ વિષય પર જ્ઞાન
- જ્વેલરી બનાવવા માટેની ટેકનોલોજી
- મશીનરી અને ફેશનનું જ્ઞાન
- જ્વેલરી બનાવવા માટે ટેકનોલોજી
- મશીનરી અને ફેશન અંગે નું જ્ઞાન
- સમદ્વ ભારતીય ડિઝાઇનનના વારસાનું જ્ઞાન
- માર્કેટિંગ
- ડિઝાઈન માટે જરૂરી સોફ્ટવેરનું જ્ઞાન