સુરત (Surat): અડાજણમાં શક્તિ ગ્રુપની (Shakti Group) ઓફિસ ઉપર 15 જેટલા ઇસમોએ કાચની બોટલો તેમજ પથ્થરમારો (Stone Attack) કરી ઓફિસને ગંભીર નુકસાન પહોંચાડી ગ્રુપના સંચાલક રવિ ખરાડી તેમજ ગ્રુપના જ મલ્હાર ઠાકોરને મારી નાંખવાની ધમકી (Death Threaten) આપતાં મામલો પોલીસમાં (Police) પહોંચ્યો હતો. આશ્રર્યની વાત તો એ છે કે, ઓફિસમાંથી રોકડા રૂ.1.56 લાખ ગાયબ થઇ ગયા છે, પરંતુ પોલીસે લૂંટની (Robbery) કલમ ઉમેરી ન હતી. બે દિવસ પહેલાં થયેલી માથાકૂટની અદાવતમાં આ તોડફોડ કરવામાં આવી હોવાની શક્યતા છે. પોલીસને સીસીટીવી (CCTV) કેમેરાનાં ફૂટેજ સોંપવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન માથાભારે ઇસમો રવિ ખરાડીના નિવાસ સ્થાને જઇ વોચમેનને ધાકધમકી આપી હતી. આ ઉપરાંત ખરાડીને મારી નાંખવાની ધમકી આપી હોવાની વિગત જાણવા મળી છે. ગણપતિ કાર્યકર તરીકે રવિ ખરાડી અડાજણમાં જાણીતો ઇસમ છે. તેની સાથે પાંચસો કરતાં વધારે યુવાનો જોડાયા હોવાની વાત છે. અલબત્ત, આ ઘટના બાદ નદી પાર વિસ્તારમાં મોટી ગેંગવોરનાં એંધાણ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાગા તળાવ, પાણીની ભીંત પાસે ઠાકોર નિવાસમાં રહેતો મલ્હાર બકુલ ઠાકોર રાંદેરમાં ચોકસીવાડીની સામે કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી રવિ ખરાડીની શક્તિ ગ્રુપ કોર્પોરેશનની ઓફિસમાં કામ કરે છે. મંગળવારે રાત્રિના સમયે ગબુ, રવિ તથા અક્ષય ઉપરાંત અન્ય 12થી 13 જેટલા ઇસમો અડાજણ ચોકસીવાડી પાસે આવેલી શક્તિ ગ્રુપની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ ઓફિસના ટેબલો ચેક કરીને કાચના પાટેશનની તોડફોડ કરી નાંખી હતી. બાદમાં આ ટોળાએ નીચે જઇ ઓફિસમાં પથ્થરમારો તેમજ કાચની બોટલો પણ ફેંકી હતી. ટોળાએ ઓફિસમાં હાજર મલ્હાર ઠાકોરને જાનથી મારી નાંખવાની ધમકી તેમજ શક્તિ ગ્રુપના સંચાલક રવિ ખરાડીને પણ મારી નાંખવાની ધમકી આપી હતી.
જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલાં ચોકસીવાડી પાસે મારામારી થઇ હતી. જેમાં શક્તિ ગ્રુપના યુવકોએ માછી ગ્રુપના યુવકોને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ અંગે રવિ ખરાડી ઉપર ફોનકોલ આવ્યો હતો અને તેમાં રવિએ પોતાના ગ્રુપના યુવકો નહીં હોવાનું કહેતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની અદાવત રાખીને રવિ ખરાડીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં રવિ ખરાડીની ઓફિસમાં દોઢ લાખ રોકડા હતા અને તે રકમ પણ ગાયબ છે. ત્યારે પોલીસે હજુ સુધી લૂંટની કલમ ઉમેરી ન હોવાની વિગતો પણ જાણવા મળી છે.