SURAT

સુરતનાં ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યની વાતો જાણવી હોય તો પહોંચી જાવ આ ગણેશ મંડપમાં

સુરત : છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવને ઉજવી નહીં શકેલા સુરતીઓમાં આ વખતે ગણેશોત્સવ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરતમાં અવનવી થીમ પર ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. અડાજણમાં તો એક ગણેશોત્સવના આયોજકો દ્વારા સુરતનો ઇતિહાસ, હાલનો વિકાસ અને ભવિષ્યના વિકાસ તેમજ રાજ્યની જે બાબતો દેશ-દુનિયામાં જાણીતી છે તે બાબતોની ઝાંખી પોતાના ગણેશ મંડપમાં કરાવવાના પણ આયોજનો કર્યા છે.

અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે ગાર્ડન ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. કોરોનાના બે વર્ષને બાદ કરતાં આ ગ્રુપ દ્વારા દર વર્ષે મોટાપાયે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે ગણેશોત્સવમાં તેઓ નવી જ થીમ લઈને આવ્યા છે.

આ થીમમાં મંડપમાં સુરતનો ઇતિહાસ, વિકાસ દર્શાવવા માટે વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. તેમાં સુરતનો ઇતિહાસ દર્શાવવા માટે ચોકબજારનો કિલ્લો, ભાગળની ક્લોક ટાવર તેમજ રિંગરોડ પર આવેલા રિવોલ્વિંગ રેસ્ટોરન્ટને દર્શાવવામાં આવ્યા છે.

જ્યારે હાલનો તેમજ ભવિષ્યનો વિકાસ દર્શાવવા માટે મેટ્રો ટ્રેન, સુરત હીરા બુર્સની પ્રતિકૃતિ પણ આ ગણેશોત્સવમાં મુકવામાં આવશે.

ગાર્ડન ગૃપના પ્રમુખ હર્ષ મહેતાએ જણાવ્યું હતું કે અમારી થીમ જય-જય ગરવી ગુજરાત છે. તેમાં ગુજરાતની જે બાબતે દુનિયાભરમાં જાણીતી છે તે બાબતોની માહિતી, ચિત્ર કે પ્રતિકૃતિ દ્વારા રજૂ કરાશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણોત્સવ, ગીરનું જંગલ, નડાબેટ બોર્ડર ઉપરાંત સામાજિક સંદેશાની સાથે નશામુક્તિના સંદેશો આપવા માટે પણ ચિત્ર દ્વારા પ્રયાસ કરાશે.

આ ગણેશોત્સવમાં કઈ થીમ રાખવી તે માટે 6 મહિનાથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા ચાર મહિનાથી તેના પર કામ ચાલી રહ્યું છે મૂર્તિ અને થીમ તથા તેના એક્ઝ્યુકેશન પાછળ કુલ 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે.

Most Popular

To Top