SURAT

સુરત: ગણેશ ભક્તોએ આખી રાત હજીરા ઓવારા પર વિતાવી, બપોર સુધી વિસર્જન માટે લાઈન લગાવવી પડી

સુરત: (Surat) સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે પોલીસ અને પાલિકા (Corporation) તંત્રને વિચારતું કરી મુક્યું છે. 15-20 ફૂટથી મોટી વિશાળકાય પ્રતિમાઓનું વિસર્જન શુક્રવાર એટલેકે અનંત ચૌદસના બીજા દિવસે બપોરના 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ પ્રતિમાઓના વિસર્જન માટે હજીરા ઓવારા ખાતે ગણેશ આયોજકોને રિતસરની લાઈન લગાવવી પડી હતી. આખી રાત આયોજકો ઓવારા પર પોતાના નંબરની રાહ જોતા સુઈ રહ્યા બાદ બીજા દિવસે બપોરે તેમનો નંબર લાગ્યો હતો. આ ઘટના પાછળ ખૂબજ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

શહેરમાં અનંત ચૌદસના દિવસે લગભગ 64 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું જેમાંથી 5 હજાર જેટલી પ્રતિમાઓ હજીરા ઓવારા ખાતેથી વિસર્જીત કરાઈ. 9 ફૂટથી ઉંચી પ્રતિમાઓ લગભગ 5000 જેટલી પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. જે પ્રતિમાઓને લઈને ગણેશ ભક્તો ગુરુવારે બપોરે નિકળ્યા હતા તેનું વિસર્જન બીજા દિવસે બપોરે એટલે કે 24 કલાક બાદ થયું હતું. નાની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં તેમજ ઘર આંગણે સરળતાથી થયું હતું પરંતુ મોટી પ્રતિમાઓના વિસર્જન માટે આયોજકોને રિતસરનો પરસેવો પડ્યો હતો. હજીરા ઓવારા ખાતે છેલ્લી પ્રતિમાનું વિસર્જન શુક્રવારે બપોરે પોણા બે વાગે કરાયું હતું. ગલેમંડીના વિનાયક યુવક મંડળના ગણપતિની પ્રતિમાનું સૌથી છેલ્લું વિસર્જન હજીરા ખાતે કરાયું હતું.

હજીરા એસ્સારમાંથી કટર મશીન લાવી લોખંડના એંગલ અને નટ બોલ્ટ કાપ્યા
હજીરા ખાતે પ્રતિમાઓનું વિસર્જન મોડું થવાનું અને લાંબી લાઈનો લાગવું સૌથી મોટું કારણ હતું વિશાળકાય પ્રતિમાઓની મજબૂતાઈ માટે સ્ટ્રક્ચર પર લગાવેલા લોખંડના એંગલ અને નટ બોલ્ટ. પ્રતિમાઓ એટલી મોટી હતી કે હજીરાના દરિયા ખાતે ક્રેનમાં ઉંચકી શકાય તેમ ન હતી. જેથી વિસર્જન કરતાં પહેલા લોખંડના સ્ટ્રકચરનો ભાગ કાપવો પડ્યો હતો. નટ બોલ્ટ સામાન્ય વ્યક્તિથી ખોલી શકાય તેવી સ્થિતિમાં ન હતા. જેને કારણે પ્રયત્ન કરતા થાકેલા આયોજકોને આખરે હજીરા એસ્સાર કંપનીમાંથી કટર મશીન લાવવાની ફરજ પડી હતી. આ કટર મશીનથી સ્ટ્રક્ચર કાપ્યા બાદ વિસર્જન કરાયું હતું.

એક સાથે પ્રતિમાઓ આવી જતા ટ્રાફિક વધતા લાઈનો લાગી
આ વખતે સુરતમાં 9 ફુટથી મોટી પ્રતિમાઓને વિસર્જન માટે હજીરાના દરિયામાં મોકલવામાં આવી હતી. જેને કારણે સાંજે 7 વાગ્યાથી અડાજણના ગુજરાત ગેસ સર્કલથી શરૂ કરીને છેક હજીરાના ઓવારા સુધી પ્રતિમાઓની લાઈનો લાગી ગઈ હતી. 12 ફિટથી વધારે ઊંચી મૂર્તિઓને મગદલ્લાના ઓવારા ખાતે વિસર્જન કરવા માટે પ્રશાસન તરફથી પરમિશન ન મળતાં લોકોને હજીરા સુધી લંબાવવું પડ્યું હતું. એક સાથે મોટી પ્રતિમાઓ હજીરા ખાતે ભેગી થઈ જતાં ટ્રાફિક વધી ગયો હતો.

આયોજકોએ આખી રાત ઓવારા પર સુઈને વિતાવી
સ્ટ્રક્ચરને કટર મશીનથી કાપવાની ફરજ પડતાં એક પ્રતિમાના વિસર્જનમાં ખૂબ સમય લાગવાને કારણે આયોજકો આખી રાત હજીરા ખાતે સુઈ રહ્યાં હતાં. બેગમપુરા કોળીવાડના ગણેશ ભક્ત સુરેશભાઈએ જણાવ્યું હતું કે સવાર પડ્યા છતાંય વિસર્જન માટે નંબર લાગ્યો ન હતો. આયોજકો સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. પાણી અને નાશ્તાની વ્યવસ્થા કરાઈ હતી. આખરે બપોરે તેમનો નંબર લાગતા વિસર્જન બાદ તેમને રાહતનો દમ લીધો હતો.

મને ઘટનાની જાણ નથી- વસંત પરીખ, ચીફ ફાયર ઓફિસર, SMC
હજીરા ખાતે સર્જાયેલી અવ્યવસ્થા બાબતે સુરત મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસરને પુછતા તેમણે જણાવ્યું હતું કે હું ગુરુવારે રાત્રે જ જરૂરી કામ માટે સુરતથી બહાર નિકળી ગયો હતો. અત્યારે હું શહેરની બહાર છું. મને જાણકારી નથી કે હજીરા ખાતે શા કારણે વિસર્જનમાં આટલો સમય લાગ્યો.

Most Popular

To Top