સુરત: (Surat) સુરતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવાર ગણેશ ઉત્સવને (Ganesh Utsav) રાજ્ય સરકારે મંજુરી આપી દેતા પુરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ત્યારે મનપા અને પોલીસ દ્વારા કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે રાખીને વિસર્જન થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે. તાજેતરમાં સુરત મનપા દ્વારા શ્રીજી વિસર્જન માટે 19 જગ્યાએ કુત્રિમ તળાવો બનાવવાનું આયોજન કરાયું છે. દરમિયાન બુધવારે મનપા અને પોલીસ (Corporation And Police) દ્વારા સંયુકત ટીમો બનાવીને કુત્રિમ તળાવ બનાવવાના છે તે જગ્યાઓનો રાઉન્ડ લેવાયો હતો.
મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, પોલીસ અને મનપાની ત્રણ ત્રણ ટીમો બનાવીને સ્થળ નિરીક્ષણ કરાયું હતું તેમજ ચાર ફુટ સુધીની પ્રતિમાઓને જ મંજુરી અપાઇ હોય જે લોકો ઘર આંગણે વિસર્જન કરે તે માટે મનપા દ્વારા ઝુંબેશ ચલાવાશે તેમજ આવા લોકોને જાગૃતિ બતાવવા બદલ મનપા દ્વારા સર્ટી અપાય તેવું આયોજન પણ વિચારાશે. જો કે 2 ફુટ સુધીની પ્રતિમાઓને તો ઘર આંગણે જ વિસર્જન કરવું ફરજીયાત છે.
સાતમ આઠમનો તહેવાર પૂરો થયો છતાં સુરતમાંથી જુગારીઓ પકડાયા
સુરત : સાતમ-આઠમના તહેવારમાં સામાન્ય રીતે લોકો જુગાર રમે છે, આ તહેવાર પુરો થઇ ગયાને બે દિવસ થવા છતાં હજુ લોકો જુગાર રમવાનું ઓછુ કર્યું ન હતું. શહેર પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી 113 જુગારીઓને પકડી પાડીને તેઓની પાસેથી 8.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસે મહાદેવ નગર થાતા નં-૧૦ની બહાર ગલેરીમાંથી, અક્ષર ડાયમંડના ચોથા માળની ઓફિસમાં, સ્વામી નારાયણ નગરમાં, ડાહ્ના પાર્ક સોસાયટીના મકાનમાં, મોતીનગર સોસાયટી બજરંગ એપાર્ટમેન્ટના ફલેટમાં, ભગુનગરની સામે બજરંગનગરમાં, ભગુનગરના મકાનમાં રેડ પાડી જુગાર રમતા ૪૬ લોકોને દબોચી તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૦૧,૪૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાપોદ્રા પોલીસે સરીતા સાગર સોસાયટીના મકાન નં-૯૧ની સામે પાર્કિંગમાં અને ભક્તિનગર સોસાયટી વિભાગ-૨ના મકાન નં-૬૧ના પ્રથમ માળે રેડ પાડી જુગાર રમતા ૧૪ જણાને પકડી પાડી ૪૦,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોડાદરા પોલીસે આસપાસ મંદિર પાસે ગોડાદરા કોળી ફ્ળિયુંમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ જણાને ઝડપી પાડી તેમની પાસેથી ૧,૦૯,૭૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીની ટીમે ઉધના ગામ મહાદેવ ફળિયુ ઘર નં-૫૧માં રેડ પાડી જુગાર રમતા ૨૪ જણાને પકડી તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૧૦,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોકબજાર પોલીસે કતારગામ રમણનગર સોસાયટી પહેલા ધીરુભાઈ તરસરીયાના મકાનમાં રેડ પાડી જુગાર રમતા સાત જણાને ઝડપી પાડી તેમની પાસેતી ૯૮,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિંગણપોર પોલીસે સુમન પ્રતિક આવાસમાં રેડ પાડી સાત લોકોને જુગાર રમતા પકડી તેમની પાસેથી ૧૧,૬૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સચીનજીઆઈડીસી પોલીસે પાલીગામ ચામુડા સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી ૧૦ લોકોને પકડી પાડીને ૧૯,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.