સુરત: (Surat) ડિંડોલીમાં પોન્જી સ્કીમના નામે લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ ભાગી ગયેલા ડાયરેક્ટરના પુત્રની જહાંગીરપુરામાંથી ધરપકડ (Arrest) કરાઇ હતી. આ યુવક પોતાના મિત્રના (Friend) ફ્લેટમાં ભાડેથી રહેતો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પાંચ હજાર કરોડનું કૌભાંડ નવ રાજ્યોમાં કરનારા આ ચીટરો પર પોલીસના ચાર હાથ હોવાની વાત છે. આરઇ ગોલ્ડમાં (R I Gold) રૂપિયાનું રોકાણ કરી અંદાજે દસ હજાર પરિવારો બરબાદ થયા છે પરંતુ આ મામલે શહેર પોલીસ (Surat Police) ગંભીર નથી તે હકિકત છે.
- આરઇ ગોલ્ડના નામે 5000 કરોડની ઠગાઇ કરનાર ડાયરેક્ટરનો પુત્ર પકડાયો
- આરોપી પોલીસથી બચવા જહાંગીરપુરામાં મિત્રનો ફ્લેટ ભાડે રાખી ત્યાં રહેતો હતો
- નવ રાજ્યોમાં દસ હજાર પરિવારો આઇ ગોલ્ડમાં અઢી મહિનાની ડબલની લાલચમાં બરબાદ થયા
- આરઇ ગોલ્ડમાં અંદાજે દસ હજાર પરિવારો બરબાદ થયા છે પરંતુ આ મામલે સુરત શહેર પોલીસ ગંભીર નથી
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં પ્રિયંકા ટાઉનશીપમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા પ્રહલાદ સુખદેવ પાટીલની મુલાકાત ડિંડોલીની રીઝન્ટ પ્લાઝામાં આવેલી આર.ઇ ગોલ્ડ નામની ઓફિસના સંચાલક અજયભાઇ કટારીયાની સાથે થઇ હતી. અજય કટારીયાએ પ્રહલાદભાઇને આર.ઇ. ગોલ્ડની વિવિધ સ્કીમમાં રોકાણ કરવાનું કહ્યું હતું. રૂા. 26 હજારનું રોકાણ કરાવીને તેની સામે ત્રણ મહિનામાં રૂા. 80 હજાર આપવાની લાલચ આપવામાં આવી હતી. આ અંગે પ્રહલાદભાઇએ રૂા. 26 હજારની રકમ ભરી હતી, પરંતુ ત્રણ મહિના બાદ સ્કીમ મુજબના રૂા. 80 હજાર નહીં આવતા તપાસ થઇ હતી.
પ્રહલાદભાઇએ આ અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને અજય કટારીયાની ધરપકડ પણ કરી લીધી હતી. બીજી તરફ આ કૌભાંડમાં અજયકુમારના પુત્ર આકાશનું નામ પણ બહાર આવ્યું હતું અને તેને પણ આરોપી બનાવાયો હતો. પોલીસ પકડથી બચવા માટે આકાશ જહાંગીરપુરામાં હોવાની માહિતી મળતાં જ પોલીસે પોતાની ટીમને એક્ટિવ કરી હતી. દરમિયાન પોલીસે જહાંગીરપુરામાંથી પકડી પાડ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આકાશ તેના મિત્રના ફ્લેટમાં ભાડેથી રહેતો હતો. તે અવારનવાર પરિવાર સાથે વાત કરતો હોવાથી પોલીસને તે અંગે માહિતી મળી હતી અને કોલ ડિટેઇલ્સના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.