સુરત: (Surat) પાંડેસરા પોલીસે ભેસ્તાન ખાતે કેલીજોબ સર્વીસના નામે પોર્ટલ ઉપરથી ડેટા એન્ટ્રીના (Data Entry) કામના નામે ગ્રાહકોને ઘરબેઠા પૈસા કમાવોની (Earning) લાલચ આપી પુરો ન થઈ શકે તેવો ટાસ્ક આપી રૂપિયા પડાવતી ગેંગને (Gang) ઝડપી પાડી હતી. ઓફિસમાંથી પોલીસે 25 મોબાઈલ, 28 સીમકાર્ડ, 3 લેપટોપ, 19 ડેબિટ/ક્રેડિટ કાર્ડ મળી 2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન ખાતે જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિક સતીષભાઈ પંચાલ અને અને નાનપુરા ખાતે હિમાની એપાર્ટમેન્ટમાં રહેતી આરતી તનુસીંગભાઇ ચૌધરી (ઉ.વ.૨૪) એ ભેસ્તાન ખાતે સાંઇ સ્ક્વેર કોમર્શીયલ બિલ્ડીંગના બીજા માળે, દુકાન નં-એ/૨૦૭, ખાતે કેલીજોબ સર્વીસ નામથી સેન્ટર શરૂ કર્યું હતું. બાદમાં આ સેન્ટરમાં તીર્થ સંજયભાઇ પટેલ (ઉ.વ.૨૪ રહે. એ/૧૦૦૮ સુમન આસ્થા આવાસ ભીમરાડ કેનાલ રોડ), 17 વર્ષીય બે કિશોર, લીઝા પ્રકાશ નાયક (ઉ.વ.૨૨ રહે. પ્લોટ નં.૨૦૭ ક્રિષ્ણાનગર ગંધાનગરની બાજુમાં પાંડેસરા), શતાબ્દી શત્રુઘન શાહુ (ઉ.વ.૨૪ રહે. પંચવટી સોસાયટી, હાઉસીંગ પાંડેસરા) ને નોકરીએ રાખ્યા હતા. નોકરી ઉપર રાખી તેમની સાથે મળી “ક્વીકર તથા કલીક ઇન્ડીયા”નામની વેબસાઇડ ઉપરથી મોબાઇલ નંબરોના ડેટા બેઝ ખરીદ કરતા હતા. અને તે મોબાઇલ નંબર પર ધારકોને ડેટા એંટ્રીનુ કામ અપાવવા માટે કોલ તથા ટેકસ મેસેજ કરતા હતા.
ગ્રાહકોને 600 ફોર્મ 90 ટકા એક્યુરેસી સાથે પાંચ થી છ દિવસમાં સબમીટ કરવાના 15 હજાર આપતા હતા. પૈસા આપવાની લાલચ આપી તેમના આઇડીપ્રુફ તથા ઇમેલ એડ્રેસ મેળવતા હતા. તેઓનો યુઝરનેમ તથા પાસવર્ડ બનાવી આપતા હતા. અને તેમને ડેટા એંટ્રી માટેનુ કામ સોપી સમય મર્યાદામાં 90 ટકા એક્યુરેસી સાથે કામ પુર્ણ ન થાય તો તેમના પોર્ટલ યુઝ કરવાનો 5500 રૂપિયા ચાર્જ ભરાવતા હતા. ગ્રાહકો પાસેથી અલગ અલગ ડમી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રૂપિયા ઉપાડી લઇ ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હતા. પાંડેસરા પોલીસે રેઈડ કરી ઓફિસમાંથી 1.64 લાખના 25 મોબાઈલ ફોન, 70 હજારના 3 લેપટોપ, ચાર્જર, પ્રિન્ટર, 28 સીમકાર્ડ, 11 પાસબુક, 19 ડેબીટ અને ક્રેડિટ કાર્ડ મળી કુલ 2.59 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
છેલ્લા 6 મહિનાથી આ સેન્ટરમાં ગ્રાહકો પાસેથી લાખો પડાવ્યા
સંચાલક ભાવિક કેલીજોબ સર્વીસ નામના પોર્ટલ ઉપરથી ડેટા એન્ટ્રીનુ કામ ગ્રાહકોને આપવાના બહાને ગ્રાહકો પાસેથી પૈસા પડાવતો હતો. તે આ સેન્ટર છેલ્લા છ મહીનાથી ચલાવતો હતો. ગ્રાહકોના મોબાઇલ નંબરો ઓનલાઈન ડેટાબેઝ ક્વીકર તથા કલીક ઇન્ડીયા પાસેથી ખરીદતો હતો. બાદમાં તેના સેન્ટરમાં કામ કરતા માણસો મારફતે ડમી સીમકાર્ડના અલગ અલગ મોબાઇલ નંબરો ઉપરથી મોબાઇલ ધારકોને કોલ તથા ટેકસ મેસેજ કરી ડેટા એંટ્રીનું વર્ક આપી હજારો કમાવાની લાલચ આપતા હતા.