સુરત: (Surat) ભેસ્તાન ખાતે રહેતા અને વેસુ ખાતે બજાજ ફાયનાન્સમાં (Bajaj Finance Company) એજન્ટ તરીકેની નોકરી કરતા યુવકે એક મૃતક સહિત 6 ગ્રાહકોની (Six Customer) જાણ બહાર લોન (Loan) ઉપર 17 મોબાઈલ ફોન (Mobile Phone) મેળવ્યા હતા. અને આ મોબાઈલના રૂપિયા જે તે વેપારીને નહીં ચુકવી 10.65 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ છે.
- મૃતક સહિત 6 ગ્રાહકની જાણ બહાર લોન ઉપર 17 મોબાઈલ મેળવી 10.65 લાખની છેતરપિંડી
- બજાજ ફાયનાન્સના એજન્ટે મોબાઈલના રૂપિયા વેપારીને નહીં ચુકવી છેતરપિંડી કરતા ઉમરા પોલીસમાં ફરિયાદ
- ઇએમઆઈ કાર્ડનો દુરઉપયોગ કરી ઓનલાઇન લોન પ્રોસેસ બાદ મોબાઈલ મેળવી લીધા હતા
- અલગ અલગ તારીખોમાં ગ્રાહકોની જાણ બહાર મોબાઇલોની ખરીદી માટે 17 વખત ઓનલાઇન લોન પ્રોસેસ કરી હતી
- ધનરાજ પાટીલ નામના ગ્રાહક હયાત ન હોવા છતા તેઓનો તથા અન્ય પાંચ ગ્રાહકોની જાણ બહાર તેમના ઇએમઆઈ કાર્ડનો દુરઉપયોગ કર્યો હતો
બમરોલી રોડ પર સાંઈ સમર્પણ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય મયુરભાઇ નરેશભાઇ જરીવાલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં અર્વીસ નિલેશ શેદગે (રહે, એ/ ૧, ૧૦૨, સ્વપ્ન સૃષ્ટી રેસીડેન્સી, ભેસ્તાન) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અર્વીશ બજાજ ફાઇનાન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે 5 ઓક્ટોબર 2021 થી 13 નવેમ્બર 2021 સુધીમાં 6 ગ્રાહકોની જાણ બહાર ઓનલાઈન લોન લીધી હતી. છ ગ્રાહકો પૈકી ધનરાજ પાટીલ નામના ગ્રાહક હયાત ન હોવા છતા તેઓનો તથા અન્ય પાંચ ગ્રાહકોની જાણ બહાર તેમના ઇએમઆઈ કાર્ડનો દુરઉપયોગ કર્યો હતો.
પુજારા ટેલીકોમ, વેસુ તથા ભાટીયા કોમ્યુનિકેશન, વેસુ નામની દુકાનોમાં અલગ અલગ તારીખોમાં ગ્રાહકોની જાણ બહાર મોબાઇલોની ખરીદી માટે 17 વખત ઓનલાઇન લોન પ્રોસેસ કરી હતી. અને કંપનીમાંથી ડીલીવરી ઓર્ડર મેળવી આ ડીલીવરી ઓર્ડર જે તે દુકાનદારોને આપ્યા હતા. દુકાનદારો પાસેથી કુલ 10.65 લાખ રૂપિયાના 17 મોબાઈલ મેળવી લીધા હતા. અને આ 17 મોબાઈલના નાણા દુકાનદારોને ચુકવ્યા ન હતા. બજાજ ફાઇનાન્સ કંપની તથા પુજારા ટેલીકોમ, ભાટીયા કોમ્યુનિકેશન, નામના દુકાનદારો સાથે છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.