બેંગ્લોર અને અમરેલીના વેપારીની સુરતના જોબવર્કના વેપારી સાથે રૂા.31.91 લાખની ઠગાઇ – Gujaratmitra Daily Newspaper

SURAT

બેંગ્લોર અને અમરેલીના વેપારીની સુરતના જોબવર્કના વેપારી સાથે રૂા.31.91 લાખની ઠગાઇ

સુરત : બેંગ્લોર અને અમરેલીના વેપારીએ સુરતના જોબવર્કના વેપારી પાસે રૂા.31.91 લાખનું જોબવર્ક કરાવીને પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી ગામ હેની હાઈટ્સ ખાતે રહેતા મૂળ બોટાદના જીંજાવદરના વતની મયુરભાઈ મનજીભાઈ પટેલ (ઉ.વ.૩૨) કતારગામ જુની જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે અને જોબવર્કનું કામ કરે છે. દરમિયાન તેઓની પાસેથી બેંગ્લોર કર્ણાટકમાં વેપાર કરતા વેપારી શાહીદભાઇ ઇમરાભાઇ શેખ અને મુળ અમરેલીના કોટડાબીઠ-બાબરાના વતની અમીત જસુભાઇ ગજેરાએ રૂા. 39.77 લાખના પડમાં જોબવર્ક કરાવ્યું હતું. જેમાંથી બંનેએ રૂા. 7.86 લાખ ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂા. 31.91 લાખ ચૂકવ્યા ન હતા. જે અંગે મયુરભાઇએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રિંગરોડની રતન માર્કેટના વેપારી સાથે રૂ. ૨૩.૭૬ લાખની ઠગાઈ
સુરત : રિંગરોડની રતન માર્કેટના વેપારી પાસેથી રૂા. 23.76 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવામાં નહીં આવતા પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ પરવત પાટીયા શુભમ હાઈટ્સમાં રહેતા અને રિંગરોડ રતન માર્કેટમાં બંસરી સિલ્કï નામે દુકાન ધરાવતા વિજય ગુણંવત પટેલ (ઉ.વ.૩૭) પાસેથી રિંગરોડની એસટીએમ માર્કેટ અને સારોલી લેન્ડ માર્કેટમાં પાવન ફેશનના નામે સાડીનો વેપાર કરતા વેપારી બસ્તીરામ રામલાલ સરગરા (રહે. જય જયરામ સોસાયટી મોડલ ટાઉન સામે પરવત પાટીયા) અને ચંપાલાલએ રૂા. ૨૩.૭6 લાખનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલી સમય મર્યાદામાં પેમેન્ટ નહીં મળતા વિજયભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોલી નજીક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન તોડી બાઈકસવાર ફરાર
બારડોલી: બારડોલી-નવસારી હાઇવે ઉપર આવેલા વડોલી ગામની સીમમાંથી પસાર થતાં દંપતીની બાઇકને આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન મળી આશરે સાડા ત્રણ તોલા જણાતાં દાગીના તોડી ભાગી છૂટેલા બે બાઇકસવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે.

બારડોલી-નવસારી હાઈવે માર્ગ ઉપર આવેલા પારડી વાઘા (નોગામા) મુકામે રહેતા રમેશ વિઠ્ઠલ આર્ય અને તેમનાં પત્ની ભાનુબેન બારડોલી મુકામે સામાજિક કામકાજ પતાવી સાંજના છ વાગ્યાના સમય આસપાસ તેમની મોટરસાઇકલ ઉપર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તેવા સમયે માર્ગમાં આવતાં વડોલી પાટિયા પાસે આવેલા મંદિર નજીક તેમને ઓવરટેક કરી એક નંબર વગરના ટુ વ્હીલર ઉપર આવેલા બે અજાણ્યા ઇસમે તરાપ મારી ભાનુબેનના ગળામાંથી આશરે બે તોલા વજનનું જણાતું મંગળસૂત્ર તથા વજનનો અછોડો (કિંમત આશરે રૂ.દોઢથી બે લાખ) તોડી ભાગી છૂટ્યા હતા. આશરે ૩૦થી ૩૫ વર્ષની વયના જણાતા ચાલકે પીળા રંગનું જર્સી તથા પાછળ બેઠેલા સવારે સફેદ રંગનું જર્સી પહેલી હોવાનું જણાવતાં તેઓની મોટરસાઇકલ નંબર પ્લેટ વગરની હોવા સાથે બારડોલી પોલીસમથકે ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top