SURAT

શહેરમાં હોટલ–રેસ્ટોરેન્ટને રાત્રે 12 વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવા રજૂઆત

સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા તથા હોટલ–રેસ્ટોરાંને (Hotel Restaurant) રાત્રે ૧ર વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલમાં કોરોનાની બીજી લહેર આખા દેશમાં અને મુખ્યત્વે ગુજરાતમાં વાયુવેગે પ્રસરી રહી છે એ સંજોગોમાં ઘણાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ આ બિમારીમાં સપડાઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષથી નોકરી ધંધામાં તકલીફનો અનુભવ કરી રહેલા વ્યક્તિઓનો ઘણો મોટો વર્ગ હોય, તેઓની આર્થિક સ્થિતિ નબળી થઇ હોવાથી મુખ્યમંત્રી મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ યોજના કે જે રૂપિયા ૪ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનાર પરિવાર માટે હોય તેઓ કોવિડ– ૧૯ની બિમારીમાં સપડાય તો તેઓને બિમારીની સારવારનો ખર્ચ પોસાય તેમ નહીં હોવાથી કોવિડ– ૧૯ની સારવારને મુખ્યમંત્રી મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ અંતર્ગત આવરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા કોરોના સંક્રમણને કારણે ગુજરાતભરના હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ઘણી આર્થિક તકલીફમાં મૂકાઇ ગયા છે. કારણ કે તેઓને લોનના હપ્તાઓ, કારીગરોનો પગાર, ભાડે લીધેલી જગ્યાનું ભાડુ ચૂકવવાનું હોય છે. સામાન્ય સંજોગોમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગનો વ્યવસાય સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧ર વાગ્યા સુધી ચાલતો હોય છે, પરંતુ રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂ લાગી જતો હોવાથી તેમને કોઈ ધંધો મળી રહેતો નથી.

તદુપરાંત હાલમાં મોટા ભાગના પરિવારોના તમામ સભ્યો એકસાથે સંક્રમિત થવાના કેસ વધુ પ્રમાણમાં આવી રહ્યા હોવાથી જો ઘરના તમામ સભ્યો ઘરે સારવાર લેતા હોય તે સંજોગોમાં જમવાનું પહોંચાડવા માટે આવી સેવા ચાલુ રહે તે હિતાવહ છે. આવા સંજોગોમાં હોટલ–રેસ્ટોરન્ટ ઉદ્યોગોને રાત્રિના ૧ર વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાનગી પરવાનગી મળી રહે તો તેઓ આ કપરાં સમયમાં બચી શકે છે અને તેઓની બેન્ક લોન કે અન્ય ખર્ચાઓની જવાબદારીમાં પહોંચી શકશે. અન્યથા લાખો લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ મોટા પાયા પર પાયમાલ થશે અને બેરોજગારીનું પ્રમાણ વધશે. આથી આ અંગે પણ યોગ્ય નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top