SURAT

સુરતમાં એટલો વરસાદ પડ્યો કે ફાયર બ્રિગેડે રસ્તા પર બોટ ઉતારવી પડી, 112 લોકોનું રેસ્ક્યુ કર્યું

સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળ ફાટ્યું હોય તેવી રીતે ધોધમાર વરસાદ વરસતા અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે સ્કૂલ, ટ્યૂશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ, વોક વે પર મહિલા, હોસ્પિટલમાં દર્દીઓ ફસાયા હતા. આવા કુલ 112 વ્યક્તિ, બાળકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

શહેરના રાંદેર, પાલ, અડાજણ, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરાછા વિસ્તારમાં પડ્યો હતો, પરંતુ સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તાર અને વેસ્ટ ઝોનના પાલ, અડાજણ, રાંદેરમાં વરસાદે ભુક્કાં કાઢી નાંખ્યા હતા. સવારે 8થી 10 દરમિયાન બે કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ એક સાથે તૂટી પડતા જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વરાછા ખાંડ બજારમાં બેન્કમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું.

વરાછા, સેન્ટ્રલ ઝોન અને ખાસ કરીને અડાજણ, પાલ, રાંદેરમાં રસ્તા પરથી છલકાઈને લોકોના ઘરો, દુકાનોની અંદર સુધી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જવાના લીધે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યૂશન અને ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું હતું. આવા ફસાયેલા લોકોને બચાવવા માટે સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. રીતસર ફાયર બ્રિગેડે બોટ લઈ રસ્તામાં ઉતરવું પડ્યું હતું. બપોરે 4 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડે વિવિધ વિસ્તારમાંથી 112 લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

વનિતા વિશ્રામ સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીને સહીસલામત બહાર કાઢી માતા-પિતાને સોંપ્યો.

કયાંથી કેટલાં લોકોને રેસ્ક્યુ કરાયા?
ફાયર બ્રિગેડે એલપી સવાણી સર્કલ પર આવેલા ફોનીક્સ ટ્યુશન ક્લાસીસમાંથી 8 સ્ટુડન્ટને, વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસેથી બોર્ડ એક્ઝામ આપવા જતા બે સ્ટુડન્ટ દેસાઈ પૂજા અને પાંડવ પ્રિયંકાને રેસ્ક્યુ કર્યા હતા. સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિ વાનમાં ફસાયેલા 5 બાળકોને બચાવ્યા હતા. આનંદ મહલ રોડ પર એશિયન ફિઝિયોથેરાપી સેન્ટરમાંથી 16 સ્ટાફના લોકો અને 2 પેશન્ટને રેસ્ક્યુ કર્યા હતા.

રામનગર વોકવેમાં ફસાયેલા મહિલાને બહાર કાઢ્યાં.

સરથાણા જકાતનાકા ઉન્નતિ સ્કૂલમાંથી મંદબુદ્ધિના 28 બાળકોને રેસ્ક્યુ કરાયા હતા. ખાંડ બજાર ગરનાળા પાસે સર્વોદય બેન્કમાં ફસાયેલા 11 લોકોને બચાવ્યા હતા. તે ઉપરાંત વનિતા વિશ્રામ કેમ્પસમાં મારૂતિ વાનમાં બે છોકરાઓ ફસાયા હતા. તેમને માતા-પિતા પાસે સલામત પહોંચાડ્યા હતા. રામનગરના વોકવેમાં પાણી ભરાતા એક મહિલા ફસાઈ હતી, તેને બચાવાઈ હતી. સિંગણપોર એસએમસી ટેનામેન્ટમાંથી 10 બાળકોને બચાવાયા હતા. પીએમ ભગત સ્કૂલમાંથી 1 વિદ્યાર્થીને રેસ્ક્યુ કરાયો હતો.

Most Popular

To Top