સુરત: (Surat) શહેરના રાજકારણમાં (Politics) ખાસ કરીને ભાજપમાં (BJP) હવે એકમાત્ર સી.આર.પાટીલ સુપ્રિમો હોવા છતા જુથવાદ અટકતો નથી. હવે સી.આર.જુથના જ નેતાઓ વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. ત્યારે રવિવારે લિંબાયતના રતનચોકમાં સરકારી જગ્યા પર કબજો જમાવી અહીના વરસોજુના મહાદેવ મંદિરને તોડી પાડી ધારાસભ્ય સંગીતા પાટીલની નજીકના મનાતા સ્થાનિક માથાભારે શખ્સ મુન્નાએ જગ્યા પચાવી પાડવા કારસો રચ્યો હોવાની વાત સાથે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
સ્થાનિકોએ ભાજપના નગર સેવક ભુષણ પાટીલને સ્થળ પર બોલાવ્યા હતા. પહેલા તો મુન્નાએ એવુ જણાવ્યું હતું કે, નવુ મંદિર બનાવવા માટે જુનુ મંદિર તોડયું છે, જો કે ભુષણ પાટીલે એવુ કહયું હતું કે, મંદિર નવુ બનાવવાનું હોય તો પણ મંદિરનું સંચલાન કરતા લોકો સાથે સંકલન થવું જોઇએ આ લોકો તો મંદિર તોડવાનો જ વિરોધ કરે છે. જો કે ત્યાર બાદ વાત વણસી હતી તેમજ મુન્ના તેમજ તેના સાથીઓએ ભુષણ સાથે મારામારી (Fight) કરી હોવાનું અને ત્યાર બાદ સ્થળ પર ગયેલા ભુષણના પિતા અને પુર્વ શાસકપક્ષ નેતા મુરલીધર પાટીલને (Murlidhar Patil) પણ તમાચા મારી દેવાયા હોવાની ચર્ચા છે.
શાંત અને સરળ સ્વભાવ ધરાવતા તેમજ મહારાષ્ટ્રિયન સમાજમાં વજન ધરાવતા મુરલીધર પાટીલ સાથે થયેલા આ વર્તનથી સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુરલીધર પાટીલ તેમજ સંગીતા પાટીલ વચ્ચે રાજકીય ગજગ્રાહ નવો નથી. જયારે પ્રથમ વખત સંગીતા પાટીલ વિધાનસભાની ચુંટણી લડ્યા ત્યારે તે સમયે શહેર ભાજપ મહામંત્રી એવા મુરલીધર પાટીલની ટીકીટ નકકી મનાતી હતી પરંતુ તને સાઇડટ્રેક કરીને સંગીતા પાટીલને વિધાનસભાની ટીકીટ અપાતા મુરલીધર પાટીલ જુથે બળવો પણ કર્યો હતો તેમજ ચુંટણી પ્રચાર વખતે સંગીતા પાટીલ મુરલીધરના ઘરે આર્શિવાદ લેવા ગયા ત્યારે તેને પણ તમાચો મારી દેવાયાની ચર્ચા હતા, હવે વરસોબાદ જાણે આ તમાચાનો બદલો લેવાયો હોય તેમ મુરલીધર તેમજ તેના નગરસેવક પુત્રને તમાચા મરાવી હીસાબ ચુકતે કરાયો હોવાની ચર્ચા છે.
અમારી સાથે મારામારી નથી થઇ, મુન્નાએ મંદિર તોડયું એટલે અમે ગયા હતા
આ વિવાદ મામલે નગર સેવક ભુષણ પાટીલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, માર મરાયો હોવાની વાત માત્ર અફવા છે. મારામારી નથી. થઇ સ્થાનિક લોકો મંદિર નહી તુટે તેવુ ઇચ્છતા હતા અને મુ્ન્નાએ મંદિર તોડયું તેથી અમે ગયા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે પણ તે બન્નેને બોલાવ્યા હતા. અમારૂ કહેવાનું એવુ હતું કે, જો મંદિર નવુ બવાવવું હોય તો સ્થાનિક લોકો અને ટ્રસ્ટની સાથે મળીને કરવું જોઇએ.