સુરત: (Surat) ગ્રીષ્માની હત્યા (Grishma Murder) કર્યા બાદ હવે ફેનિલે લાજપોર જેલમાંથી જ ડાયરેક્ટ સાક્ષીઓને (Witness) ફોન કરીને તેઓને ફોડવાનો પ્રયાસ કર્યો છે. લાજપોર જેલના લેન્ડ લાઇન ફોન પરથી તેણે પોતાની માનીતી બહેનને ફોન કરીને કહ્યું કે, આજે બપોરે બે વાગ્યે મને મળીને ત્યારબાદ મારી તરફે જુબાની આપજે. આ યુવતીએ સીધો જ પોલીસ અધિકારીને ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
ગ્રીષ્મા હત્યા કેસમાં આજે એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ફેનિલે હવે જેલ ઓથોરીટિ પાસે પણ જુઠ્ઠુ બોલીને પોતાના આરોપી તરીકેના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. બુધવારે સવારના સમયે ફેનિલે લાજપોર જેલ ઓથોરીટિને કહ્યું હતું કે, મારે મારી બહેનને ફોન કરવો છે. લાજપોર જેલ સત્તાધીશોએ ફેનિલને પરવાનગી આપી હતી, ફેનિલે પોતાની માનીતી બહેન ક્રિષ્ના નામની યુવતીને ફોન કરીને કહ્યું હતું કે, આજે બપોરે બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારી તરફે જુબાની આપજે. આ વાત આજે કોર્ટમાં બહાર આવતા કોર્ટમાં હાજર પોલીસનો સ્ટાફ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં અરજી આપી હતી અને આરોપી ફેનિલે આરોપીના હક્કોનો દૂરઉપયોગ કર્યો હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જેલના મેન્યુઅલ તેમજ ફોન કોલનો રેકોર્ડ પણ કોર્ટમાં મંગાવવા માટે દાદ માંગવામાં આવી હતી. વધુમાં આ કેસની વિગત મુજબ આજે કુલ્લે 6 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, હવે આગામી દિવસમાં તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવશે, ત્યારબાદ આ કેસની અંતિમ દલીલો કરવામાં આવશે તેવી માહિતી મળી છે.
યુવતીએ કોર્ટમાં જુબાની આપી કે, ફેનિલ સમયાંતરે ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ફેનિલ જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેને ક્રિષ્ના નામની એક યુવતીને પોતાની બહેન માની હતી. બીજી તરફ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધને લઇને માથાકૂટ થઇ હતી. ગ્રીષ્મા ફેનિલને પસંદ કરતી ન હતી પરંતુ ફેનિલે ગ્રીષ્માની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આખરે ગ્રીષ્મા નહીં માનતા ફેનિલે તેને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. ફેનિલ જ્યારે પણ કોલેજમાં કે બહાર તેની બહેન ક્રિષ્નાને મળતો હતો ત્યારે કહેતો હતો કે, પેલીને મારી નાંખવાનો છું. હત્યાના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરીને હત્યા કરી દેવાનું કહ્યું હતું પરંતુ ફેનિલ મજાક કરતો હોવાથી તેની વાતને ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી. બીજા દિવસે જ્યારે વિવિધ અખબારો અને ન્યુઝ ચેનલોમાં ગ્રીષ્માના હત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રિષ્ના પોતે ચોંકી ઉઠી હોવાની જુબાની કોર્ટમાં આપી હતી.
મૃતક ગ્રીષ્માના પરિવારને પાંચ લાખનું વચગાળાનું વળતર અપાયું
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મૃતક વ્યક્તિઓને કાનુની સહાય આપવામાં આવે છે. ત્યારે હાલમાં ગ્રીષ્મા હત્યા કેસમાં તેના પરિવાર તેમજ ઇજાગ્રસ્તોને વચગાળાની રૂા. 5 લાખની સહાય આપવામાં આવી હતી. જેમાં ગ્રીષ્માની માતાને દોઢ લાખ, ગ્રીષ્માના પિતાને દોઢ લાખ રૂપિયા તેમજ ગ્રીષ્માના ભાઇને એક લાખ અને ગ્રીષ્માના કાકા સુભાષભાઇને પણ એક લાખ ચૂકવવાનો હુકમ કરાયો હતો.