એકબીજાને મદદ કરીને આગળ વધવાનો સુરતનો સ્વભાવ- નવનિયુક્ત મનપા કમિ. શાલિની અગ્રવાલ – Gujaratmitra Daily Newspaper

SURAT

એકબીજાને મદદ કરીને આગળ વધવાનો સુરતનો સ્વભાવ- નવનિયુક્ત મનપા કમિ. શાલિની અગ્રવાલ

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના (Municipal Corporation) નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલે (Shalini Agrawal) જણાવ્યું હતું કે સુરત મીની ભારત છે. અહીં દરેક પ્રદેશના લોકો વસે છે. સમગ્ર ભારતમાં સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી (Fastest Growing City) છે. શનિવારે સુરતના પત્રકારો સાથે નાનકડી એક મુલાકાત દરમ્યાન તેમણે સુરત વિષેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સુરતીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે 2006માં રેલ (Flood) દરમ્યાન મેં અહીં કામગીરી કરી છે. તે દરમ્યાન સુરતીઓને મેં કામ કરતા જોયા. સુરતવાસીઓએ રેલમાંથી ઉભા થવા માટે એકબીજા માટે જે કામ કર્યું હતું તે અદ્ભૂત હતું.

સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની બદલી બાદ શાલિની અગ્રવાલે નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ વડોદરા પાલિકાના કમિશનર તરીકે કાર્યરત હતા. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમણે સુરત વિષેના પોતાના અનુભવોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ 2005ના આઈએએસ બેચના છે. તેઓ ટ્રેનિંગ માટે ગુજરાતના દાહોદમાં આવ્યા હતાં. વર્ષ 2006માં સુરતમાં પૂર આવ્યું હતું તે દરમ્યાન તેઓએ સુરતમાં બે મહિના કામગીરી કરી હતી. તેઓએ તાપીમાં પણ કામ કર્યું છે. અહીં તેઓની કામગીરી માટે તેઓને એવોર્ડ પણ મળ્યો હતો.

2006માં સુરતની રેલમાં કામ કર્યું છે
શાલીની અગ્રવાલ સુરતમાં 2006માં આવેલી રેલમાં કામ કરી ચુક્યા છે. તે અંગેના અનુભવો જણાવતા તેમણે કહ્યું હતું કે 2006માં જ્યારે સુરતમાં પૂર આવ્યું ત્યારે તેઓ ફ્રેશનર હતાં. સુરતમાં પૂર દરમ્યાન તેમને સેનીટેશન અને સાફ સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે તેઓ લગભગ 2 મહિના સુરતમાં રોકાયા હતા. અને તે જ વખતથી સુરતની સુવાસ તેમના મનમાં ભળી ગઈ હતી.

સુરત સમગ્ર ભારતને દિશા આપી રહ્યું છે
તેમણે સુરતને મીની ભારત તરીકે ઓળખાવ્યું હતું અને કહ્યું કે સુરતમાં વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. અહીં પીસ અને યુનિટી છે. ખાસ કરીને એક બીજાને મદદ કરીને આગળ વધવાની પોઝિટીવ ભાવના સુરતીઓમાં છે. તેમણે કહ્યું કે સુરત સમગ્ર ભારતને દિશા આપી રહ્યું છે.

સુરત માટે નિષ્ઠા, મેહનત અને ઇમાનદારીથી કામ કરીશ
તેમણે કહ્યું કે સુરતમાં હાલ અધિકારીઓ, ચુંટાયેલી પાંખના સભ્યો અને પાલિકાના કર્મચારીઓ પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા સુરતને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. હું પણ સુરત માટે નિષ્ઠા, મેહનત અને ઈમાનદારીથી કામ કરીશ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સુરતને વિવિધ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. સુરતમાં અનેક આઈકોનિક પ્રોજેક્ટ થઈ રહ્યાં છે. ત્યારે બધા મળીને દેશમાં સુરતને નં-1 સિટી બનાવવા માટેના પ્રયત્નો કરીશું.

Most Popular

To Top