સુરત : સુરત (Surat) જિલ્લામાં મેઘરાજ મહેરબાન થયા છે. વરસાદ પડતા ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ ધરતીપુત્રો ખેતીના કાર્યમાં જોડાઈ ગયા છે. સુરતના તાલુકા વિસ્તારોમાં ખરીફ સિઝન (Monsoon season) દરમિયાન ખેડૂતો વિવિધ પાકોની વાવણી કરી રહ્યા છે. તેમા પણ ખેડુતોએ ખાસ કરીને પશુપાલન પર આધારિત ઘાસચારા, ડાંગર, તુવેર તેમજ શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં 10 તાલુકાઓમાં 30020 હેકટર (Hector) જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
છેલ્લા દસેક દિવસમાં સુરત જિલ્લાના તાલુકાઓમાં પાંચ ઈંચથી 26 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતરનું કાર્ય પૂર્ણ થઈ ગાયું હતું. આ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સામાન્ય 1,08,288 હેકટર વાવેતર વિસ્તાર રહ્યો છે. જેની સામે અત્યાર સુધી જિલ્લામાં 30020 હેકટર જમીન પરનું વાવેતરનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
જો વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકોની વાત કરીએ તો તેમાં ડાંગરનું 3124 હેકટરમાં અને મગફળીનું 296 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે જુવાર 1340 હેકટરમાં, સોયાબીન 4983 હેકટરમાં, કપાસ 2824 હેકટરમાં, અડદ 494 હેકટરમાં, તુવેર 2956 હેકટરમાં, મગ 88 હેકટરમાં અને શાકભાજી 6887 હેકટરમાં વાવેતર થયું છે. આ સાથે ઘાસચારાનું 5858, દિવેલા 31, તલ 13, મકાઈ 1119, અડદ 494, કેળા 362 તથા પપૈયાનું 48 હેકટર જમીનમાં વાવેતર થયું છે. આ સાથે ખરીફ પાકોની સાથે બાગાયતી પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કેળાનું 1471, પપૈયા 144 હેકટરમાં વાવેતર કરાયું છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 5068 હેકટર, ચોર્યાસીમાં 778, કામરેજમાં 681 હેકટર, માંગરોળમાં 5647, બારડોલીમાં 152, માંડવીમાં 5165 હેકટર, ઉમરપાડામાં 9810, મહુવામાં 1919 અને પલસાણા તાલુકામાં 517 તથા સુરત સિટીમાં 283 હેકટર જમીન વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર જિલ્લામાં બાગાયતી પાકોના વાવેતરની વાત કરીએ તો જોઈએ તો કેળાનું કામરેજમાં 820 હેક્ટર, માંડવીમાં 146, પલસાણામાં 318 હેકટર મળી અન્ય તાલુકાઓ મળી કુલ 1471 હેક્ટરમાં કેળા તથા સમગ્ર જિલ્લામાં 144 હેક્ટરમાં પપૈયાનું વાવેતર થયું છે.