SURAT

સચિનની કેમિકલ ફેક્ટરીમાં આગ: 24 કલાક બાદ 7ની ડેડબોડી મળી, 8ની હાલત ગંભીર

સુરત: શહેરની સચિન જીઆઈડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી એથર ઈન્ડસ્ટ્રીમાં બુધવારની રાત્રિએ ભયંકર આગ લાગી હતી. આ આગમાં 24 મજૂરો દાઝ્યા હતા, તેઓને સારવાર માટે શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન કંપનીમાં કામ કરતા 7 મજૂરો ગૂમ હતા. તેઓની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ ભય હતો તેવું જ થયું. આ સાતેય મજૂરોના ભડથું થઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આજે વહેલી સવારે આ સાતેય મજૂરોની લાશ ફેક્ટરીના બે કેમિકલ સ્ટોરેજ ટેન્કની બાજુમાંથી મળી આવ્યા છે. દરમિયાન ઈજાગ્રસ્તો પૈકી 8ની હાલત ગંભીર હોવાની વિગતો સાંપડી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપની એથર ઈન્ડસ્ટ્રીમાં બુધવારે રાત્રે લગભગ 1.30થી 2.00 વાગ્યાના સમયગાળામાં બ્લાસ્ટ બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલા ભયાનક હતી કે ફેક્ટરીની અંદર અફરાતફરી મચી ગઈ હતી. મજૂરો જીવ બચાવીને બહાર દોડી ગયા હતા. તેમ છતાં 24 જેટલાં મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ આગને કાબુમાં લેવામાં 7 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જ્યારે કુલિંગની કામગીરી આખો દિવસ ચાલી હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા 7 મજૂરો ગૂમ હોવાની વિગત બહાર આવતા તંત્રએ તેમને શોધવાની કામગીરી હાથ ધરી હતી.

સુરતના પ્રાંત અધિકારી, ફાયર વિભાગની ટીમ, જી.પી.સી.બી.ના અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી સુરત રીજીયનના અધિકારીઓ, મામલતદાર ડિઝાસ્ટર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં ગુમ થયેલા મજૂરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમજ મૃતકના પરિવારના 50 લાખ અને ઇજાગ્રસ્તના પરિવારને 15 લાખની સહાય આપવાની કંપની એ જાહેરાત કરી છે.

દરમિયાન આજે તા.30 નવેમ્બરના રોજ ગુમ થયેલ તમામના મૃતદેહ મળી આવ્યા છે. તેમજ આ આગની ઘટનામાં 24 કર્મચારીઓ દાઝ્યા હતા. તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 7 મજૂરોના ભડથું થઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે.

આજે સવારે 42 વર્ષીય સંતોષ વિશ્વકર્મા, 40 વર્ષીય સનત કુમાર મિશ્રા, 22 વર્ષીય સુનિલ વર્મા સહિત સાતેય ગુમ મજદૂરોની ડેડબોડી મળી આવી છે. આ ત્રણ મજૂરોના પરિવારો આવી પહોંચ્યા છે, જ્યારે અન્યના પરિવારોનો સંપર્ક સાધવા પ્રયાસ ચાલી રહ્યો છે.

કોઈ બે દિવસ પહેલાં નોકરી પર જોડાયું હતું તો કોઈ..
એથર ઈન્ડસ્ટ્રીઝમાં મૃત્યુ પામનાર મજૂરો પૈકી કોઈક હજુ બે દિવસ પહેલાં જ નોકરીમાં જોડાયા હતા, તો કોઈના મૃત્યુના લીધે પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો છે. સંતોષ વિશ્વકર્મા બે દિવસ પહેલાં જ કંપનીમાં નોકરી પર જોડાયા હતા, તેઓ મૂળ એમપીના રહેવાસી હતા. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. બે દિવસ પહેલાં ભત્રીજા અનિલ વિશ્વકર્માએ તેમને એથરમાં નોકરી અપાવી હતી. તેઓ કેમિકલ મિક્સ મશીનમાં પાઉડર નાંખવાનું કામ કરતા હતા.

40 વર્ષીય સનત કુમાર મિશ્રા પણ ત્રણ દિવસ પહેલાં જ નોકરીમાં જોડાયો હતો. કલર ટેક્સ કંપની છોડી તે એથરમાં જોડાયો હતો. સનત પણ એમપીનો રહેવાસી છે. સનતનો મૃતદેહ જોઈ તેની પત્ની બેભાન થઈ ગઈ હતી. આખો પરિવાર સનત પર જ આશ્રિત હતો. વતનથી મોટા ભાઈ અને સમાજના આગેવાનો સુરત આવવા રવાના થયા હોવાની વિગત સાંપડી છે.

આ ઉપરાંત મૂળ યુપીના 22 વર્ષીય સુનિલ વર્માનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તે દિવાળી વેકેશનમાં રજા પર હતો. વતનથી આવી તે બે દિવસ પહેલાં જ નોકરીમાં જોડાયો હતો. આ ઉપરાંત અન્ય ચાર ડેડબોડી મળી છે. પરંતુ તેઓની ઓળખ થઈ શકી નથી.

આ સાત જણા ગુમ થયા હતા
(1) દિવ્યેશ કુમાર પટેલ (પ્રોડક્શન ટીમ-2)
(2) સંતોષ વિશ્વકર્મા (સૂરજ એન્ટરપ્રાઈઝ)
(3) સનત કુમાર મિશ્રા (નોબલ એન્જિનીયરીંગ)
(4) ધર્મેન્દ્ર કુમાર (સૂરજ એન્ટરપ્રાઈઝ)
(5) ગણેશ પ્રસાદ (સૂરજ એન્ટરપ્રાઈઝ)
(6) સુનીલ કુમાર (સૂરજ એન્ટરપ્રાઈઝ)
(7) અભિષેક સિંહ (પીડી એન્ટરપ્રાઈઝ)

આ આઠ ગંભીર છે
(1) સર્વેશ કૌશલ યાદવ, ઉ.વ. 24, રહે.120 શિવસાંઇ સાલાસર રેસીડેન્સી, સચીન, સુરત
(2) ઉમાશંકર વિજયનાથ પાંડે, ઉ.વ. 33, રહે.142 શિવનગર સોસાયટી, સચીન, સુરત
(3) ઓમપ્રકાશ સુશીલ યાદવ, ઉં.વ. 23, રહે. અશોકભાઇ ચોલ, સચીન જી.આઇ.ડી.સી, સુરત
(4) વિકાશ રામઅવતાર ચૌહાણ, ઉં.વ. 27, રહે. સાંઇભુપત રો હાઉસ, સચીન જી.આઇ.ડી.સી, સુરત
(5) મયુર હિંમતભાઇ કથીરીયા, ઉં.વ. 30, રહે. પ્રમુખ છાંયા રો હાઉસ, પુણા ગામ, સુરત
(6) શ્રવણ રોશનભાઇ પાસવાન, ઉં.વ. 19, રહે. માનસીંગની ચાલ, રામેશ્વર કોલોની, સચીન જી.આઇ.ડી.સી., સુરત
(7) કેશનકુમાર રામદેવ યાદવ, ઉં.વ.21, રહે. રામહીતની ચાલ, સચીન જી.આઇ.ડી.સી, સુરત
(8) લવકુશ રામમિલન યાદવ, ઉં.વ.19, રહે. અશોકભાઇની ચાલ, રામેશ્વર કોલોની, સચીન, સુરત

Most Popular

To Top