SURAT

PM મોદીએ આપી આ સલાહ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ઘટાડી નાંખ્યું આટલું વજન

સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ અનુભવું છું… આ વાત કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે. સીઆર પાટિલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

સીઆર પાટિલે ફેસબુક પર પોસ્ટ કરી લખ્યું કે વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો. જે માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી હતી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.

તેમણે લખ્યું કે અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું. વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.

તેમણે કહ્યું કે આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે. દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે. આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન.

Most Popular

To Top