સુરત: (Surat) શહેરમાં ઘણા વિસ્તારોમાં દબાણ, ગંદકી, અસામાજિક તત્ત્વોના અડ્ડાઓનું ન્યૂસન્સ જાણે કાયમી બની ગયું છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં કાયમી દબાણની (Encroachment) સમસ્યા રહે છે. પાલિકાની પદાધિકારીઓની મિટીંગમાં વારંવાર આ અંગે ચર્ચા થયા બાદ પણ કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. જેને લઈ હવે હાલત એવી છે કે ખુદ મેયરને (Mayor) મેદાને ઉતરવું પડે છે.
અઠવા વિસ્તારમાં સરદાર બ્રિજ નીચે વોક-વેની બંને બાજુ દબાણ, ગંદકી મુદ્દે નગરસેવકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ આવી રહ્યો નથી. જેથી હવે ખુદ મેયર હેમાલી બોઘાવાલા મેદાનમાં ઊતર્યાં હતાં. તેમજ અઠવા ઝોનના અધિકારીઓને બોલાવી આ અંગે તાકીદે નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. સુરત મનપાના વોર્ડ નં.21માં અઠવાગેટ સર્કલથી બ્રિજ નીચે રેનબસેરા બનાવાયા છે. જે બંધ હાલતમાં છે. રેનબસેરાની બહાર ગરીબ વર્ગના લોકોએ વસવાટ ચાલુ કરી દીધો છે. તેમજ અન્ય વસ્તુઓના ભંગારો પણ ત્યાં પડેલા છે અને અસામાજિક તત્ત્વો દ્વારા અહીં ન્યૂસન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંગેની વારંવાર ફરિયાદોને પગલે મંગળવારે મેયર, સ્થાનિક કોર્પોરેટરોએ અહીં રાઉન્ડ લીધો હતો. અને આ જગ્યા પર તાકીદે દબાણ દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
કાદરશાની નાળમાં દબાણનો મુદ્દો સ્થાયી સમિતિમાં ગાજ્યો તો ખરો પણ કાર્યવાહી ન થઈ
સુરત: શહેરમાં રસ્તા પર દબાણકર્તાઓનો કબજો છે. જેના કારણે ન્યૂસન્સ વધી રહ્યું છે. જે મુદ્દે સ્થાયી સમિતિની મીટિંગમાં કોટ વિસ્તારના નગરસેવકોએ રજૂઆત પણ કરી છે. ખાસ કરીને માથાભારે દબાણકર્તાઓ માટે પંકાયેલા કાદરશાની નાળમાં કાટપીટિયાનાં દબાણો બાબતે ઉગ્ર રજૂઆત થઇ હતી. જેની સામે અસરકારક પગલાં લેવા મનપા કમિશનરની તાકીદ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. ઊલટાનું દબાણો વધી ગયાં છે. હવે તો એલ.આઈ.સી. ક્વાટર્સથી શાલીભદ્ર એપાર્ટમેન્ટ થઈ કાદરશાની નાળ તરફ જતા રસ્તા પર બંને તરફ દબાણ થઈ રહ્યાં છે.
કન્ડમ ગાડીઓ સાથે સાથે બિરિયાની વેચવાવાળાઓનાં દબાણ વધી જતાં રસ્તો આખો ન્યૂસન્સરૂપ બની ગયો છે. વાહનચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારમાં બિરિયાની વેચાણ કરનારાઓ પણ માથાભારે હોવાથી રોડની બંને તરફ દબાણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટે મહાનગર પાલિકાના અધિકારીઓ હિંમત નહીં કરતા હોવાથી વાહનચાલકોની હાલત કફોડી થઈ રહી છે.