સુરત: (Surat) એકબાજુ શહેરમાં મનપાના (Corporation) તંત્રવાહકો દ્વારા દબાણો (Encroachment) સામે આંખ લાલ કરી આ ન્યૂસન્સ દૂર કરવા પ્રયાસો થઇ રહ્યા છે. તો બીજી બાજુ અમુક વિસ્તારોમાં મિલકતદારો દ્વારા જ દબાણકર્તાઓ પાસેથી નાણાં વસૂલી પોતાની મિલકતની આસપાસ દબાણોને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાની બૂમ પણ ઊઠી છે. અગાઉ ચૌટાબજાર અને ત્યાર બાદ કતારગામ નારાયણનગર, ડભોલી ચાર રસ્તા વગેરે આ પ્રકારની પ્રવૃત્તિ બહાર આવ્યા બાદ હવે અઠવા ઝોનના વેસુ વિસ્તારમાં પણ આવું થઇ રહ્યું હોવાની અને આ કિસ્સામાં તો મનપાના સ્થાનિક અધિકારીઓની મીલીભગત (Corruption) હોવાની પણ બૂમ ઊઠી છે.
- વેસુમાં મનપાના એપાર્ટમેન્ટવાળા જ ઉઘરાણું કરી દબાણકર્તાઓને જગ્યા આપતા હોવાની બૂમ ઊઠી
- મનપાના સ્થાનિક અધિકારીઓની કથીત મિલીભગતમાં એપાર્ટમેન્ટ બહાર બેસતા ફેરિયાઓ પાસેથી નાણાં લેવાય છે, જે ના પાડે તેની ફરિયાદ કરી મનપાના અધિકારી થકી દબાણોના નામે હટાવી દેવાય છે
- રવિવારે રાત્રે ફૂટપાથ પર એક નવો બરફવાળો આવતાં અહીં રોજ બેસતાં ફેરિયા સાથે તેની બબાલ થઇ હતી
- મનપામાં ફરિયાદનો ફોન થતા જ દબાણ સ્ટાફ આવીને પૈસા ન આપ્યા હોય તેનાં દબાણ ઉઠાવી જાય છે
મળતી વિગત મુજબ સુરત મનપાના અઠવા ઝોનના વેસુ વિસ્તારમાં અમુક એપાર્ટમેન્ટની દીવાલ પાસે એપાર્ટમેન્ટના કર્તાહર્તાઓ દ્વારા સ્થાનિક અધિકારીઓની મિલીભગતમાં ફૂટપાથ પર બેસીને વેચાણ કરતાં ફેરિયાઓ પાસેથી મહિને અઢીથી ત્રણ હજાર રૂપિયા લઇ દબાણ કરવા દેવાતું હોવાની વિગત અહીં તકરાર થતાં બહાર આવી છે. રવિવારે રાત્રે ફૂટપાથ પર એક નવો બરફવાળો આવતાં અહીં રોજ બેસતાં ફેરિયા સાથે તેની બબાલ થઇ હતી. અને દબાણ કરનારાએ એવું પણ કહ્યું હતું કે, અમે ત્રણ હજાર રૂપિયા દર મહિને અહીંના એપાર્ટમેન્ટના સંચાલકોને રેણુ નામની મહિલાના માધ્યમથી આપીએ છીએ.
તકરાર વધતાં આ મુદ્દો સ્થાનિક કોર્પોરેટર પાસે પહોંચ્યો હતો. ત્યાં એવી પણ ફરિયાદ થઇ હતી કે, જો દબાણ કરનારા પૈસા નહીં આપે તો તે મહિને એપાર્ટમેન્ટમાંથી મનપામાં ફરિયાદનો ફોન થતા જ દબાણ સ્ટાફ આવીને પૈસા ન આપ્યા હોય તેનાં દબાણ ઉઠાવી જાય છે. આ ગંભીર ફરિયાદ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા કોર્પોરેટર દ્વારા ઝોનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.