SURAT

સુરતમાં જુલાઈ અંત સુધીમાં દોડવા લાગશે આટલી ઇલેક્ટ્રીક બસો

સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં સિટીબસ, બીઆરટીએસ બસો શરૂ કરાઈ છે. તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈલેક્ટ્રીક બસો પણ દોડાવવામાં આવી રહી છે. મનપા દ્વારા શહેરમા હાલમાં પ્રાથમિક તબક્કે કુલ 150 ઈલેક્ટ્રીક બસો (Electric Bus) દોડાવવાનું આયોજન છે. જે પૈકી હાલમાં 22 ઈલેક્ટ્રીક બસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હવે તેમાં વધારો કરી જુલાઈ અંત પહેલા શહેરમાં કુલ 49 ઈ-બસો દોડશે.

શહેરમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા પાલ-ઉમરા બ્રીજની કામગીરી પુર્ણ થઈ ચૂકી છે. પાલ-ઉમરા બ્રીજનું લોકાર્પણ રવિવારે મુખ્યમંત્રીના હસ્તે થશે અને તેની સાથે જ માસ ટ્રાન્સપોર્ટેશન માટે એક સંપૂર્ણ રિંગ પૂર્ણ થશે. ઈલેક્ટ્રીક બસોના ચાર્જિંગ માટે હાલમાં 2 ટેમ્પરરી સ્ટેશન બનાવાયા છે. પરંતુ મનપા દ્વારા કુલ 3 બસ ડેપો પાસે 13 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં એક સાથે 40 જેટલી બસો ચાર્જ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરમાં કુલ 754 બસો દોડી રહી છે. જેમાં 157 બીઆરટીએસ, 575 સીટી બસ અને 22 ઈલેક્ટ્રીક બસ છે.

સુરતનો વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવાનું સપનું સાકાર થશે?

સુરત: સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશને કેન્દ્રમાં રાજ્યમંત્રી ટેક્સટાઇલ ઉપરાંત રેલવે રાજ્યમંત્રીનો હવાલો સોંપાયો છે. દર્શનાબેનને આ બે હવાલા સોંપાતાં સુરતીઓની મરી પડેલી આશાઓ ફરી જાગી છે. બે દાયકાથી વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના બતાવવામાં આવતાં સપનાં હવે સાકાર થશે કે કેમ, રેલવેના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ તે જોવું રહ્યું.

સુરતના ઇતિહાસમાં પહેલી વખત સુરતનાં સાંસદને કેન્દ્રીય રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. દર્શનાબેનને આ હવાલો સોંપતાની સાથે સુરત રેલવે સ્ટેશનને વર્ષોથી થઈ રહેલા અન્યાયનો કાળ જાણે સમાપ્ત થયો હોય તેમ અનેક આશાઓ જાગી છે. ઝેડઆરયુસીસી મેમ્બર હબીબ વોરાએ જણાવ્યું હતું કે, સુરત રેલવે સ્ટેશનને 20 વર્ષથી વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટેની વાતો માત્ર કાગળ ઉપર થઈ રહી છે. દર્શનાબેનને હવે કેન્દ્રમાં રેલવે રાજ્યમંત્રીનો હવાલો મળ્યો છે, ત્યારે તેઓ આ બાબતોને ગંભીરતાથી લઈ નિર્ણય લે એ જરૂરી છે. આ સિવાય ઉધનાથી ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતની ટ્રેનો થોભાવાની વાતો પર પણ વહેલા ઇમ્પ્લિમેન્ટેશન થાય એ જરૂરી છે. સુરતને અલગ ડિવિઝન આપવાની વાતો પણ દાયકાઓથી કાગળ ઉપર છે.

Most Popular

To Top