સુરત: (Surat) સુરતમાં પહેલા તબક્કાની મતદાન (Voting) પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સુરતમાં છેલ્લી ઘડીએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. તો કેટલાક કેન્દ્રો પર વોટીંગ મશીન (Voting Mashine) ધીમું પડતા ધીમું મતદાન થવાને કારણે લાંબી લાઈનો લાગી હતી. સાંજે પાંચ કલાકે મતદાન પૂર્ણ થયું હતું. જોકે મતદાન પૂર્ણ થવાના સમયે જે લોકો લાઈનમાં ઉભા હતા તેમને મતદાન કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. સાંજે પાંચ કલાકે મતદાન કેન્દ્રોના (Polling Booth) મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા હતા. અંદર લાઈનમાં ઊભા જેટલા લોકો ઉભા હતા તે લોકોને મતદાન કરવા દેવામાં આવશે.
શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લી ઘડીએ લાગેલી લાબી કતારોને કારણે કેન્દ્રો પર મોડે સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જે લોકો લાઈનમાં ઉભા હતા તેમને કેન્દ્રની અંદર લઈ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે બીજી તરફ ગેટ બંધ થઈ ગયા બાદ પણ ઘણા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. જેમને મતદાન કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેને કારણે તેમને વોટિંગ કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું.
રાંદેરની પીપરડી વાળા સ્કૂલમાં લાંબી કતાર લાગી હતી. અહીં વોટીંગ મશીન ધીમા પડતા કોંગ્રેસે ફરિયાદ કરી હતી. અનેક લોકો છેલ્લી ઘડીએ લાઈનમાં ઉભા હોવાથી લોકોએ મતદાન કરવા દેવા માટે માંગ કરી હતી. જેને કારણે અહીં તમામને કેમ્પસમાં લઈ લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ કેન્દ્ર પર વધુ મતદારો લાઈનમાં હોવાથી 7 વાગ્યા સુધી વોટિંગ કરવા દેવામાં આવશે એવું જણાવાયું હતું. મળતી માહિતી મુજબ અહીં લઘુમતીનું 70 ટકા વોટીંગ થઈ હોવાની ચર્ચા છે.
બીજી તરફ શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સાંજે 5 વાગ્યે મતદાન કેન્દ્રોના ગેટ બંધ થઈ ગયા બાદ અનેક લોકો વોટ આપવા પહોંચ્યા હતા. જોકે ગેટ બંધ થઈ ગયા હોવાથી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. અહીં લોકોનું કહેવું હતું કે ભારે ટ્રાફિકના કારણે તેઓને મતદાન મથકે પહોંચવામાં મોડું થયું છે. જોકે તેઓની કોઈપણ વાતને માન્ય રાખવામાં આવી ન હતી. ચુંટણી સ્ટાફ નિયમોનું સંપૂર્ણ પાલન કરતા દેખાયા હતા. કેન્દ્ર પર ઉપસ્થિત સિક્યૂરિટી સ્ટાફે તમામને પરત મોકલી આપ્યા હતા.