સુરતમાં (Surat) કેટલાક વિસ્તારો બાદ કરતાં મોટાભાગે મતદાન કેન્દ્રો નીરસ રહ્યાં હતાં. જોકે વહેલી સવારે તેમજ મતદાન પુરું થવાના સમયે લોકોમાં થોડોક ઉત્સાહ (Enthusiasm) દેખાયો હતો પણ એકંદરે સમગ્ર દિવસ દરમ્યાન વાતાવરણ સુસ્ત દેખાયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ 45 ટકા મતદાન (Voting) નોંધાયું છે. છેલ્લા એક કલાકમાં શહેરનાં કેટલાક વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી હતી. જોકે દિવસ દરમ્યાન વાતાવરણ નીરસ રહ્યું હતું. બીજી તરફ ઈવીએમ મશીન (EVM Machine) ખોટકાવાના અને રાજકીય પાર્ટીઓના સભ્યો વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણના પણ દૃશ્યો જોવા મળ્યા હતા.
સુરતમાં દર કલાકનું મતદાન
સુરતમાં સવારે 10 કલાકે 11 ટકા મતદાન નોંધાયું હતું. 11 વાગ્યે 17 ટકા, 12 વાગ્યે 13.73 ટકા, બપોરે 1 વાગ્યે 14.25 ટકા મતદાન નોંધાયું હતું. બપોરે 2 વાગ્યે 23.58 ટકા તેમજ બપોરે 3 કલાકે 24.70 ટકા મતદાન નોંધાયું હતું. બપોરે 4 કલાકે 33.63 ટકા સાંજે 5 કલાકે 34.96 ટકા અને સાંજે 6 કલાકે 45 ટકા મતદાન નોંધાયું હતું.
રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણીમાં એકંદરે મતદાન ઓછું નોંધાયું હતું. સાંજે વાગ્યા સુધીમાં ખૂબ ઓછું મતદાન થતા દરેક રાજકીય પક્ષો દોડતા થયા હતાં. ગુજરાતમાં કોંગ્રેસ સિવાય આપ અને ઔવેસીની પાર્ટી પણ મેદાનમાં છે. એટલે જો ઓછા મતદાનના કારણે ભાજપના માર્જિનમાં ઘટાડો થાય તો ભાજપને મોટો ફટકો પડી શકે એમ હોવાથી અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને છેલ્લી ઘડીએ ભારે મતદાન કરાવવા દોડતા કર્યા હતાં. સુરતમાં પણ ભાજપ સહિત બધી પાર્ટીના કાર્યકરો છેલ્લી ઘડીએ દોડતા થયા હતાં. સુરતમાં કોંગ્રેસના મહામંત્રી ઐયુબ પટેલે લોકોને અપીલ કરી છે કે, ‘ભાઈઓ મતદાન ખુબજ ઓછુ છે ત્રણ કલાક બાકી છે સમય ખુબજ ઓછો છે મહેરબાની કરી મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફે મતદાન કરવા વિનંતી.’.
સુરતમાં કયા વિસ્તારમાં કેટલું મતદાન થયું?
શહેરમાં કેટલાય વિસ્તારોમાં મતદાન મથક પર હાથમોજા ન અપાયા હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી હતી. વરાછા, કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નં- 5, 4, 14, 15, 16, 17, 2, 3, 1, 9, 10, 13 માં હાથના મોજા મતદાન કરવા આપતા ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સેન્ટ્રલ ઝોનનાં કેટલાક મતદાન મથકો પર સાંજે મતદાન પુરું થવાના સમયે સેનેટાઈઝર પણ અપાતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી.
આ વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયું
કતારગામ વોર્ડ ઓફિસ, આંબતાલાવડી, વોર્ડ નંબર 7, બુથ નંબર 19 માં ઈવીએમ મશીન ખરાબ થતા એક કલાક મતદાન બંધ રહ્યું હતું. અહીં નવું મશીન મુકાયા બાદ ફરી મતદાન શરૂ કરાયું હતું. સૈયદપુરા પ્રણામી મંદિર સામેની સ્કૂલમાં પણ ઈવીએમ બગડતા 1 કલાક મતદાન અટક્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર 27 ડીંડોલી દક્ષિણ બુથ નંબર 52માં એક મશીન ખોટકાતા વોટીંગ 22 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવાયું હતું.