સુરત : નવા સરથાણા ઝોનમાં સમાવિષ્ટ સીમાડા નાકા સવજી કોરાટ બ્રિજના નાકા પાસે ગેરકાયદે કોમર્શિયલ (Illegal construction) અને રેસિડેન્સિયલ બાંધકામ ગેરકાયદે ઠોકી દેવાયું છે. જેના કારણે અહીં બોટલ નેક થતો હોય ભારે ટ્રાફિક (Traffic) સમસ્યા ધરાવતા આ ત્રણ રસ્તા પરના આ ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન કરવા વારંવાર નોટિસ (Notice) છતા મિલકતદારોએ કોઇ કાર્યવાહી નહીં કરી હોય, કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. જો કે સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીને કોઇ મિલકતદારે જાણ કરતા કાનાણી ત્યાં દોડી ગયા હતા અને મનપાના અધિકારીઓને વધુ એક વખત સમય આપવા માટે તાકીદ કરતા મનપાની ટીમે ડિમોલિશન અધુરૂ છોડી દઇ મિલકતદારોને સામાન ખસેડવા અને સ્વૈચ્છિક ડિમોલીશન માટે તાકીદ કરી પરત ફરવુ પડયું હતું.
વિસ્તૃત વિગતો મુજબ સવજી કોરાટ બ્રિજ જયાં વરાછા રોડ તરફ ઉતરે છે ત્યા બ્રિજની ડાબી બાજુથી સરથાણા નેચર પાર્ક જવાનો રસ્તો છે. આ જે વરાછારોડને સમાંતર વિકલ્પ પૂરો પાડે છે. આ રોડ અને બ્રિજ પર ટ્રાફિકનુ ભારણ સતત વધી રહ્યું છે. અને જે ગેરકાયદે બાંધકામ નટવર નગરના ખૂણા પાસે થયેલા છે તેના કારણે બોટલ નેક થાય છે તેથી છેક વર્ષ 2018માં પણ ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે મિલકતદારો કોઇને કોઇ બહાને મુદત માંગી લેતા હતા.
વચ્ચે કોરોના કાળના કારણે ડિમોલિશન થયું નહોતું અને બાદ માં પરીક્ષા-ચોમાસા વગેરે બહાના હેઠળ ડિમોલિશન અટકાવી રખાયું છે. જો કે હવે અહીં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી હોવાથી સરથાણા ઝોન દ્વારા આ બાધકામના ડિમોલિશન માટે નોટિસ પાઠવાઇ હતી આમ છતાં કોઇ કાર્યવાહીં નહી થતા આજે ડિમોલિશન શરૂ કરાતા વિરોધ થયો હતો અને કુમાર કાનાણી દોડી આવતા મનપાનો સ્ટાફ મુંઝવણમાં મુકાઇ ગયો હતો. દરમિયાન કુમાર કાનાણીએ લોકોની વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને હાલના તબક્કે ડિમોલિશનની કામગીરીને બંધ કરવામાં આવે. એમને નોટિસ ફરીથી આપવામાં આવે અને જે પણ સામાન છે તે શક્ય હોય એટલો દૂર કરી દેવા તેવી તાકીદ કરાતા મનપાની ટીમે ડિમોલીશન મુલતવી રાખવુ પડયું હતું.