Surat Main

સુરત મનપા માટે આજે ભાજપના ઉમેદવારો જાહેર થશે, ટિકિટ માટે છેલ્લી ઘડીનું લોબિંગ જોરમાં

સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે ટિકિટ જાહેર થવાના હવે કલાકો ગણાઇ રહ્યા છે. સંભવત: ગુરુવારે ભાજપની ટિકિટો જાહેર થઇ જાય તેવી શક્યતા છે. ત્યારે ટિકિટના દાવેદારો હવે અધ્ધર શ્વાસે રાહ જોવાની સાથે સાથે પોતપોતાના રાજકીય ગોડફાધરો અને ઉદ્યોગપતિઓની આજુબાજુ આંટાફેરા કરી પોતાની ટિકિટ (Ticket) કન્ફર્મ કરાવવા એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે. જો કે, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં અને ત્રણ ટર્મના નગર સેવકોને ‘નો રિપિટેશન’ની ફોર્મ્યુલા બાદ હવે સીટિંગ નગર સેવકોમાંથી 65થી 70 ટકા નગરસેવકની ટિકિટ કપાઇ જવાની છે.

હવે અન્ય દાવેદારોમાં ટિકિટ મળવાની આશા મજબૂત થઇ ચૂકી હોવાથી રાજકીય ગોડફાધરો પણ પોતપોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા મરણીયા બની ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રીય નેતાઓમાં ટિકિટની વહેંચણી માટે જૂનાગઢ જિલ્લાના દિલીપ સોજીત્રા અને ભાવનગરના જીવરાજ ધારૂકાવાલા પર સૌની મીટ મંડાઇ છે. જેના કારણે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં અમરેલી જિલ્લાના નેતાઓ ટેન્શનમાં છે. કેમ કે, જો આ બે નેતાઓનું ચાલ્યું તો ભાવનગર, જામનગર, જૂનાગઢ જિલ્લાનો હાથ ટિકિટમાં ઉપર રહેશે. દરમિયાન ટિકિટનું લોબિંગ ચરમસીમાએ પહોંચ્યું છે.

કેટલાક વોર્ડમાં ભાજપના ઉમેદવારોના નામ કન્ફર્મ થઈ ગયાની ચર્ચાથી રાજકીય ગરમાટો

સુરત : ભાજપના મોવડી મંડળ દ્વારા ટિકિટની સત્તાવાર જાહેરાત થાય તેની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે અમુક વોર્ડમાં અમુક નામો કન્ફર્મ થઇ ગયાં હોવાની તેમજ તેને સંકેત આપી દેવાયાં હોવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
જેમાં વોર્ડ નં.20માંથી દીપેન દેસાઇ, વોર્ડ નં.10માં સુરેશ પટેલ, વોર્ડ નં.12માં કિશોર મીયાણી અને રાકેશ માળી, વોર્ડ નં.13માં મુકેશ મહાત્મા, અંજના રાણા અને નિલેશ રાણા, વોર્ડ નં.7માં નરેન્દ્ર પાંડવ, ઉધના પટ્ટીમાં પૂર્વ કોર્પોરેટર ઇ.કે.પાટીલ વગેરેનાં નામ ચર્ચામાં આવ્યાં છે. આ સાથે સીટિગ નગર સેવકોમાં રમેશ ઉકાણી, લાલજી ઘોરી, અનિલ ભોજ, સોમનાથ મરાઠે, અમિત રાજપૂત, વિજય ચૌમાલ વગેરે રિપીટ થઇ રહ્યા હોવાની ચર્ચા પણ જોરમાં છે.

સૌરાષ્ટ્રવાસી ધારાસભ્ય કાર્યાલય સંભાળતી મહિલાને તો ઉદ્યોગપતિએ પોતાના સંબંધીને ટિકીટ માટે જીદ પકડી
એક સૌરાષ્ટ્રવાસી ધારાસભ્યએ પોતાનું કાર્યાલય સંભાળતી કાર્યકર્તાને ટિકિટ અપાવવા જીદ પકડી હોવાનું તો તાજેતરમાં રામજન્મભૂમિ માટે માતબર દાન આપનાર એક ઉદ્યોગપતિએ પોતાના સંબંધીને કોટ વિસ્તારમાંથી ટિકિટ અપાવવા જોર અજમાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેર સંગઠનના એક ટોચના નેતાએ પી.એ.ની પત્ની માટે ભલામણ કરી
ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે ભારે ઘમાસાણ મચ્યું છે. ત્યારે શહેર સંગઠનના નેતાઓ તેમજ ધારાસભ્યોથી માંડીને સાંસદો પણ પોતપોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા જોર અજમાવી રહ્યા છે. તેમાં ઘણા નેતાઓ તો પોતાની રાજકીય વજનનો ઉપયોગ કરી અમુક ટિકિટ માટે રીતસર જીદ પર ચડ્યા છે. ત્યારે શહેર સંગઠનના એક ટોચના નેતાએ પી.એ.ની પત્ની માટે ટિકિટની ભલામણ કરી હોવાની ચર્ચા પણ જોરમાં છે.

કતારગામ ઝોનમાં ભાવનગરવાળા માટે ભલામણો વધતાં અમરેલીવાળા ટેન્શનમાં
ટિકિટની વહેંચણીની સાઠમારી વચ્ચે એક વાત એવી પણ બહાર આવી છે કે, કતારગામ ઝોનમાં જનરલ બેઠક પર પાટીદાર સમાજમાં ભાવનગર જિલ્લાના કાર્યકરો માટે જોરદાર લોબિંગ થઇ રહ્યું છે. એવી ચર્ચા પણ ઉઠી છે કે કતારગામ વિસ્તારમાં તમામ પાટીદારોને ટિકીટ ભાવનગર જિલ્લાના હોય તેમને જ અપનારા છે. જેને કારણે ભાવનગરના દાવેદારો ટિકિટની રેસમાં આગળ નીકળી જાય તેવી શક્યતા છે. તેથી અમરેલી જિલ્લાના લોકોમાં નારાજગી ફેલાવાનો ભય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top