સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) પુર્ણ થઈ ચુકી છે. બંને તબક્કાનું મતદાન (Voting) પુર્ણ થતા જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં (EVM) સીલ થઈ ચુક્યું છે અને હવે 8 મી ડિસેમ્બરે પરિણામ (Result) આવશે. ગુજરાતમાં એક્ઝિટ પોલમાં તો ભાજપની (BJP) સરકાર બની રહી છે. પરંતુ ટિકીટ ફાળવણી બાદ ભાજપમાં નારાજ નેતાઓએ અંદરખાને પક્ષ વિરોધી કામ કર્યુ હોવાનો સૂર છે. સુરતમાં ખાસ કરીને વરાછા, કતારગામ, કામરેજ, પુર્વ અને ઓલપાડ આ બેઠકો પર ભાજપના જ નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓએ પાર્ટી વિરોધમાં કામ કર્યુ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અંગે 8 મી ડિસેમ્બરે પરિણામ બાદ જ પક્ષમાં માથાકૂટ ચાલે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- ટિકીટ વહેંચણીમાંથી ઊભી થયેલી નારાજગી પાર્ટીના જ ઉમેદવારને હરાવવા સુધી પહોંચી હતી
- અનેક કાર્યકરો પ્રચારમાં ગેરહાજર રહ્યા અને મતદાનના દિવસે પણ હરીફ ઉમેદવારને મદદ કરી
- 8 મી ડિસેમ્બરે પરિણામ બાદ જ પક્ષમાં માથાકૂટ ચાલે તેવી સંભાવના જોવાઈ રહી છે
સુરતમાં આ વખતે દરેક રાજકીય પાર્ટીઓમાં ટિકીટ વહેંચણી મુદ્દે ઘણા નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી પોતાના નંબરની રાહ જોતા સક્રીય કાર્યકર્તાઓને પણ ધ્યાન બહાર રખાતા વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. તેમજ ઘણી સીટ પર ઉમેદવારોને રિપીટ ન કરાતા તેઓ પણ નારાજ જોવા મળ્યા હતા. પાર્ટીના પ્રચારમાં પણ તેઓની ગેરહાજરી દેખાઈ આવી હતી. જેથી મતદાનના દિવસે નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓએ વિરોધ પક્ષને મદદ કરી હોવાનો ગણગણાટ છે. તેમજ નારાજ નેતાઓ અને કાર્યકરોએ આ ચૂંટણીમાં અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી કે નિષ્ક્રિય રહ્યા હતા તેવી ફરિયાદ પ્રચાર અને મતદાન બાદ પણ સાંભળવા મળી રહી છે. સુરતમાં ખાસ કરીને વરાછા અને કતારગામમાં આવી પ્રવૃત્તિ થઈ હોવાની ફરિયાદ છે.