સુરત: આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં (Assembly Elections) ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. સુરત શહેર જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાની અંતિમ મુદત બાદ કુલ 246 ઉમેદવારએ 362 જેટલા ઉમેદવારીપત્ર (Nomination Letter) ભર્યા છે. હવે આવતીકાલે તારીખ 15મી નવેમ્બરે ઉમેદવારીપત્રની ચકાસણી બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે અને તા.17મી નવેમ્બરે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદત બાદ બેલેટ પેપર (Ballot Paper) તૈયાર થશે.
- હવે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે,
- સૌથી વધુ 51 ઉમેદવાર લિંબાયતમાં અને સૌથી ઓછા 7 ઉમેદવાર મજૂરા બેઠક પર
- આગામી તા.1લી ડિસેમ્બરે યોજાનારી પહેલા ચરણની ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ
સમગ્ર ગુજરાતમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નિશ્ચિત છે, તેની સાથોસાથ કેટલીક બેઠક પર અપક્ષો તથા અન્ય પક્ષોના ઉમેદવાર પણ જુદા જુદા કારણોસર મતદાનને પ્રભાવિત કરશે. સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો કુલ 16 વિધાનસભા બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદતે કુલ 362 જેટલા ઉમેદવારીપત્ર રિટર્નિંગ ઓફિસરને મળ્યા છે. ઘણાં ઉમેદવારએ પાંચ અને અનેક ઉમેદવારએ એક કરતા વધુ ઉમેદવારીપત્ર ભર્યા છે. કુલ 246 ઉમેદવાર ઉમેદવારીની અંતિમ મુદતે નોંધાયા છે.
ઉમેદવારીપત્રના વિશ્લેષણ કરતા કેટલીક વિગતો રસપ્રદ રીતે તરી આવે છે જેમાં સૌથી વધુ ઉમેદવારીપત્ર સુરતની લિંબાયત વિધાનસભા બેઠક માટે મળ્યા છે. આ બેઠક પર 45થી વધુ અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઉમેદવારી પરત ખેંચવાની મુદત બાદ અહીં કેટલા દાવેદારો મેદાનમાં રહેશે. અન્યથા ઇવીએમમાં ત્રણથી ચાર યુનિટ લગાડવા પડશે.
સૌથી ઓછા ઉમેદવાર સુરતના મજૂરા મત વિસ્તાર માટે ભરાયા છે. આ બેઠક માટે ફક્ત 7 જ ઉમેદવાર મેદાને જંગમાં ઉતર્યા છે. એ સિવાયની બેઠક ઉપર થયેલી ઉમેદવારી ઉપર નજર કરીએ તો ઓલપાડમાં 19 ઉમેદવાર અને 26 ઉમેદવારીપત્રક, માંગરોળમાં 8 ઉમેદવાર અને 12 ઉમેદવારીપત્ર, માંડવીમાં 11 ઉમેદવાર અને 14 ઉમેદવારીપત્ર, કામરેજમાં 17 ઉમેદવાર અને 23 ઉમેદવારીપત્ર, સુરત પૂર્વ 22 ઉમેદવાર અને 33 ઉમેદવારીપત્ર, વરાછા રોડ 9 ઉમેદવાર અને 15 ઉમેદવારીપત્ર, કરંજમાં 11 ઉમેદવાર અને 21 ઉમેદવારીપત્ર, લિંબાયતમાં 51 ઉમેદવાર અને 66 ઉમેદવારીપત્ર, ઉધનામાં 20 ઉમેદવાર અને 29 ઉમેદવારીપત્ર, કતારગામમાં 11 ઉમેદવાર અને 18 ઉમેદવારીપત્ર, સુરત પશ્ચિમમાં 13 ઉમેદવાર અને 22 ઉમેદવારીપત્ર, ચોર્યાસીમાં 17 ઉમેદવાર અને 23 ઉમેદવારીપત્ર, બારડોલીમાં 8 ઉમેદવાર અને 15 ઉમેદવારીપત્ર, મહુવામાં 8 ઉમેદવાર અને 10 ઉમેદવારીપત્ર અને સુરત ઉત્તરમાં 14 ઉમેદવાર અને 19 ઉમેદવારીપત્ર મળ્યા છે.