SURAT

‘તમારી પાર્ટીનું કોઇ ભવિષ્ય નથી, ભાજપમાં આવી જાવ’: સુરતમાં આપના વધુ એક કોર્પો.ને ઓફર કરાઈ

સુરત: (Surat) ગુજરાત વિધાનસભાની ચુંટણી (Election) નજીક આવતા જ રાજકીય હલચલ તેજ થઇ ચૂકી છે. ખાસ કરીને મનપાની ચૂંટણીમાં મોટી આશા ઉભી કરનાર આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓને તોડી પાડવા પ્રયાસ થઇ રહ્યા છે, ત્યારે સુરત મનપામાં આપના 27 સભ્યો પૈકી પાંચ સભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાયા બાદ વધુ પાંચ સભ્યો પણ ભાજપના નેતાઓ અને મધ્યસ્થીઓ સાથે લાઇન પર હોવાની ચર્ચા વચ્ચે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ સોમવારે ભાજપ (BJP) યુવા મોરચાના એક હોદ્દાદાર દ્વારા આપના વધુ એક નગર (Corporator) સેવકને ભાજપમાં જોડાઇ જવા માટે એપ્રોચ કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આ હોદ્દેદારે આપના નગર સેવક સાથે કરેલી કથિત વાતચીતની ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી.

વિપક્ષી નેતાએ કરેલા દાવા મુજબ અગાઉ પણ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને લાલચ આપી હતી. આજે ફરી એકવાર આપના કોર્પોરેટરોને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેનો ઓડિયો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે. ભાવેશ ઝાંઝડીયા દ્વારા આપના કોર્પોરેટરને એવું કહેવાયું હતુ કે, તમારી પાર્ટીમાં કોઇ ભવિષ્ય નથી ભાજપમાં આવી જાવ. આ સાથે વિપક્ષી નેતાએ ભાવેશના ભાજપના નેતાઓ સાથેના ફોટો પણ જાહેર કર્યા હતા.

ભાજપના યુવા મોરચાના હોદ્દેદારે વિડીયો વાઈરલ કરી પોતે લાલચ આપી હોવાનો ઈન્કાર કર્યો
આક્ષેપો બાદ વાઈરલ થયેલા વિડીયોમાં જણાવ્યું છે કે, હું ભાવેશ ઝાંઝડીયા, ભાજપનો સામાન્ય કાર્યકર છું. ગત માર્ચ માસમાં ઘનશ્યામ મકવાણા, રવિ કથિરીયા, વિપુલ મોવલીયા કતારગામ ખાતે મળવા આવ્યા હતા. તે સમયે ઘનશ્યામ મકવાણાએ કહ્યું હતું કે મારા માથે 45 લાખનું દેવું છે. મને ભાજપ પાસેથી પૈસા અપાવો. પાંચથી છ કોર્પોરેટરો લઈને ભાજપમાં આવી જાઉં. મેં તે સમયે તેમને ના પાડી હતી કે ભાજપ આવું કરતું નથી. મેં કહ્યું હતું કે તમે રૂપિયાની લાલચ રાખ્યા વિના આવી શકો છે. થોડા સમય બાદ શિક્ષણ સમિતીની ચૂંટણી વખતે પણ ફોન આવ્યો હતો કે મને 10 લાખ રૂપિયા કરાવી આપો. તે સમયે પણ મેં ના પાડી હતી અને કહ્યું હતું કે ભાજપની વિકાસયાત્રામાં જોડાવવું હોય તો જોડાઈ જાવ. મેં કોઈને લાલચ આપી નથી. આપના આગેવાનોના આક્ષેપો ખોટા છે.

Most Popular

To Top