સુરત: (Surat) શહેરના અઠવાલાઈન્સ ખાતે રહેતા અને ગોપીપુરામાં ઈ બાઈકનો શોરૂમ (E-Bike Showroom) ધરાવતા વેપારીએ ફેસબુક (Facebook) ઉપર ઇ બાઈકની જાહેરાત જોઈ હતી. જાહેરાત જોઈને સંપર્ક કરી 5 લાખ રૂપિયા પેમેન્ટ ચૂકવી 10 ઇ-બાઈકનો ઓર્ડર કર્યો હતો. પરંતુ બાદમાં બાઈક તો આવી નહીં ઉપરથી બંને જણાએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા તેને અઠવા પોલીસમાં છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી હતી.
- ગોપીપુરામાં ઇ-બાઈક શોરૂમનો વેપારી ફેસબુક ઉપર જાહેરાત જોઈને છેતરાયો
- ઠગબાજોએ ઈ-બાઈકના 5 લાખ પડાવી લીધા બાદ ઈ-બાઈકના બદલે તેની બેટરી મોકલી આપી
અઠવાલાઈન્સ ખાતે નર્મદ નગરમાં રહેતા ૪૦ વર્ષીય વત્સલ કીશોરચંદ્ર કાપડીઆ ગોપીપુરા ખાતે ‘વેલોસીટા ઈ બાઈક ‘ નામનો ઈલેકટ્રીક બાઈકનો શો રૂમ ધરાવે છે. ગત ૧૯ સપ્ટેમ્બરે તેમના ફેસબુક આઈડી પર એક જાહેરાત જોઈ હતી. જેમાં વાયર બી ઈન્ડીયાના નામથી ઈ – બાઈકનું ઓનલાઈન વેચાણ કરતા હોવાનો ઉલ્લેખ હતો. જેની ડીલરશીપ લેવા માટે જાહેરાતમાં આપેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો. દીવાળીનો તહેવાર નજીક હોવાથી ઈલેકટ્રીક બાઈકની માંગ વધારે હતી. ફોન નંબર ઉપર સંપર્ક કરતા સામેથી મનીશ સારસ્વતે પોતે વાયર બી ઈન્ડીયા નામના ફર્મમાં પ્રોપરાઈટર હોવાનું કહ્યું હતું. અને SWT મીકેનીકા ઈન્ડીયા પ્રા.લી. માં તેઓ ડાયરેકટર છે તેમ કહ્યું હતું. વત્સલભાઈને બાઈક પસંદ આવતા ફોન પર એક ઈ-બાઈકની કીંમત 50,500 રૂપિયા બેટરી ચાર્જર સાથે જણાવી હતી. વત્સલભાઈને ભરોશો આવતા તેમને ફોનથી જ ઈ-બાઈક મોડલ વાયર બી ડ્રાઈવના 10 નંગ નો ઓર્ડર આપી દીધો હતો.
ગત 13 ઓક્ટોબરે આરટીજીએસથી 5 લાખ રૂપિયા પેમેન્ટ ચુકવી દીધું હતું. મનિષે બે દિવસમાં ડીલવરી મોકલી આપવા કહ્યું હતું. પરંતુ બાઈક નહીં મળતા વત્સલભાઈએ ફોન કરતા તેને કંપનીના પ્રશાંત ચોરસીયા પણ ડાયરેકટર છે હવે પછી તમે તેનો સંપર્ક કરવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો. તેમને પાછા ડિલેવરી મોકલી આપી હોવાનું કહીને સુનીલ દુબેનો મોબાઈલ નંબર આપ્યો હતો. વત્સલભાઈએ પલસાણા ખાતે તેમના ડેલ્હીવેર કુરીયરના ડેપોમાં તપાસ કરતા બાઈક તો આવી ન હતી પરંતુ તેમના નામે બાઈકની બેટટરીના 10 નાના બોક્સ આવ્યા હતા. વત્સલે બંનેને ફોન કરતા તેમને ફોન નહીં ઉપાડતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી ગયો હતો. જેથી વત્સલે અઠવા પોલીસ સ્ટેશનમાં મનીષ સારસ્વત (રહે, દુર્ગા કોલોની છાપ્રાઉલા ગૌત્તમબુધ્ધ નગર, ઉત્તરપ્રદેશ) અને પ્રશાંત ચૌરસીયા (રહે,અરૂણા પાર્ક શાકરપુરા ન્યુ દિલ્હી) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.