સુરત: (Surat) કલર કેમિકલ ડાઇઝ અને કોલસાના ભાવો સતત વધી રહ્યા હોવાથી શહેરની મોટાભાગની જોબવર્ક પર નિર્ભર પ્રિન્ટીંગ મિલો (Printing Mill) નાણાકીય ભીંસમાં મુકાઇ છે. બીજી તરફ ડાઇંગ એકમોમાં (Dyeing units) તેજી જોવા મળી રહી છે. તે સ્થિતિમાં ડાઇંગ મિલો સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ બે વર્ષ પછી વેપાર પાટે ચઢયો હોવાથી નવેમ્બરમાં માત્ર દિવાળી વેકેશનના 15 દિવસ માટે મિલો બંધ રાખવા તૈયારી દર્શાવી છે.
આગામી 20મી ઓકટોબરે સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ (Textile) પ્રોસેસર્સ એસો.ની મળનારી બેઠકમાં ડાઇંગ એકમોના સંચાલકો મિલો બંધ નહીં રાખવા રજૂઆત કરશે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ડિસેમ્બરથી દિવાળી સુધી પ્રિન્ટીંગ મિલોમાં કામ હોય છે જયારે ડાઇંગ મિલો પાસે દિવાળીથી હોળી સુધીનું કામ હોય છે તે સ્થિતિમાં પ્રિન્ટિંગ મિલો નવેમ્બર મહિનામાં બંધ રહે તો ડાઇંગ મિલના સંચાલકોને વાંધો નથી પરંતુ તેઓ ડાઇંગ મિલો બંધ કરવાની તરફેણમાં નથી.
જો કે એસજીટીપીએના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ બે દિવસ પહેલા ફોસ્ટા અને ફોગવાના પ્રમુખો સાથેની ઔપચારિક બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે બધાની સહમતી નહીં હશે તો નવેમ્બરમાં મિલો સંપૂર્ણ બંધ રાખવામાં નહીં આવે તે અંગે 20મીએ એસજીટીપીએની સમીક્ષા બેઠકમાં દરેક એકમો સાથે ચર્ચાવિચારણા કરી બધાની સહમતીથી નિર્ણય લેવામાં આવશે. આજે ફોસ્ટાના સોશ્યલ મિડીયા ગ્રુપમાં 23 ડાઇંગ એકમોએ નવેમ્બર મહિનામાં મિલ ચાલુ રાખવાનો સૂર વ્યકત કર્યો હતો. આ મિલોના માસ્ટરોએ કાપડના વેપારીઓને નવેમ્બરમાં દિવાળીની રજા પૂરતા ડાઇંગ એકમો બંધ રાખવા જાણ કરી છે.
કોરોનાની બે લહેર પછી કાપડ ઉદ્યોગમાં તેજીનો માહોલ: દશેરાએ પણ કાપડ માર્કેટ ચાલુ રહેશે
સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠ્ઠપ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. કાપડના વેપારીઓની રજૂઆતને પગલે ફોસ્ટાએ આજે એક પરિપત્ર પ્રસિધ્ધ કરી દશેરાની રજાના દિવસે પણ કાપડ માર્કેટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે માર્કેટમાં બહુમતી વેપારીઓ રવિવારે પણ વેપાર કરવા માંગશે તે અંગે માર્કેટ એસો. પર નિર્ણય છોડવામાં આવ્યો છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે વિજ્યાદશમીના દિવસે કોરોનાની ગાઇડલાઇનને લીધે કોઇ સાર્વજનિક કાર્યક્રમ નહીં હોવાથી દશેરાના દિવસે માર્કેટ ચાલુ રાખવાનું નક્કી કરાયું છે. દશેરાના દિવસે કાપડના પાર્સલોની ટ્રાન્સપોર્ટરને ત્યાં પણ અવરજવર ચાલુ રહેશે.
સુરતની કાપડ માર્કેટમાંથી દરરોજ 300 ટ્રકમાં માલ રવાના થાય છે
ઉત્તર અને દક્ષિણ ભારતમાં તહેવારો અને લગ્નસરાની ખરીદી નીકળી છે. ખાસ કરીને 300થી 1500 રૂપિયા સુધીની સાડી અને 500થી 3000 રૂા. સુધીની કિંમતના ડ્રેસ મટિરીયલની ડિમાન્ડ નીકળી છે તેવી સ્થિતિમાં વેપારીઓ વેપાર કરી લેવા માગે છે. સુરતની કાપડ માર્કેટમાંથી રોજ રવાના થતા કાપડના પાર્સલો ભરી ટ્રાન્સપોર્ટર 300 જેટલી ટ્રકોમાં માલ યુપી, બિહાર, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોકલી રહ્યા છે. એવી જ રીતે પ્લાસ્ટીક અને ઇમિટેશન જરીમાંથી બનેલી સાડીઓની ડિમાન્ડ તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં જોવા મળી રહી છે. દોઢેક વર્ષના લાંબા સમય પછી દેશભરની કાપડ માર્કેટમાં સારો વેપાર ચાલી રહ્યો છે તેને લઇને વેપારીઓ ધંધો કરી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે.