સુરત: વિજયા દશમીના (Vijaya Dashmi) પર્વ નિમિત્તે આજે ઓજારો અને શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતમાં (Surat) સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા શસ્ત્ર પૂજન નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વસતા બ્રહ્મ સમાજના લોકોએ એક સ્થળે ભેગા થયા હતા અને પોતાના શસ્ત્રો અને ઓજારોનુ સામુહિક પૂજન કર્યું હતું. વિધિ યુક્ત મંત્રોચાર સાથે શસ્ત્રની પૂજા કરી દશેરાની ઉજવણી કરી હતી.
અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલા પરશુરામ ગાર્ડન ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની યુવા પાંખ દ્વારા સામૂહિક શસ્ત્રો પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં સુરતના જુદા જુદા વિસ્તારમાં રહેતા બ્રહ્મ સમાજના લોકો આજની શસ્ત્ર પૂજા વિધિમાં જોડાયા હતા.
સુરતની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા બે દિવસ અગાઉ દશેરા પર્વની ઉજવણી કરવા બાબતે જુદા જુદા માધ્યમ થકી જાણકારી આપવામાં આવી હતી. આજના દિવસે સામૂહિક શસ્ત્રની પૂજા કરવાની સમાજના લોકોને જણાવવામાં આવ્યું હતું. અને આ પૂજામાં સૌ કોઈ લાભ લઈ શકે તે પ્રકારની જાહેરાત કરી હતી. લોકો પોતાના જે પણ રોજગાર માટે સાધન ઉપયોગ કરતા હોય તે માટેનું ઓજાર અને શસ્ત્ર સાથે લાવી શકે છે. જેને લઇ શહેરમાં વસતા જુદા જુદા બ્રહ્મ સમાજના લોકો આજે પરશુરામ ગાર્ડન ખાતે પોતાના ઓજાર લઈને એકત્ર થયા હતા અને એક સાથે સામૂહિક શસ્ત્રોની પૂજા માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેરના જુદા જુદા બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સંપૂર્ણ મંત્ર ચાર અને વિધિઓક્ત શસ્ત્રોની સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે દર વર્ષે દશેરાના શુભ દિવસે પરશુરામ ગાર્ડન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં વામાં આવે છે. શસ્ત્ર પૂજાની સાથે શાસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. વર્ષોથી આપણા સનાતન ધર્મમાં શસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન દશેરાના દિવસે કરવામાં આવે છે તે પરંપરા અમે જાળવી રાખી છે. ત્યારે આજે વિવિધ બ્રહ્મ સમાજની જ્ઞાતિના લોકો અને અગ્રણીઓ ભેગા મળીને સામૂહિક શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે.