SURAT

સામી દિવાળીએ સુરતમાં સુમુલ શુદ્ધ ઘીના નામે વેચાઈ રહ્યું છે ડુપ્લીકેટ ઘી, પોલીસે અહીં કરી રેડ

સુરત: (Surat) શહેરના સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું (Duplicate Ghee) વેચાણ કરતી ટોળકીને સચીન પોલીસ સ્ટેશનની (Police Station) ટીમે ઝડપી પાડ્યા હતા. આરોપી તેના ઘરમાં વનસ્પતિ ઘી તથા સોયાતેલ મીક્ષ કરી એસન્સ નાખી ડુપ્લીકેટ ઘી બનાવતો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ત્રણની ધરપકડ કરી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી તહેવારને (Diwali Festival) લઈને સચીન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ અને દશરથભાઈને સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુધ્ધ ઘી ના ડુપ્લીકેટ ઘી ના પાઉચોનું વેચાણ થઈ રહ્યાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સચીન પોલીસ ઇન્સપેક્ટર આર.આર.દેસાઇના માર્ગદર્શન અને સૂચનાથી પીએસઆઈ એચ.જે મચ્છર સાથે એક ટીમ સ્થળ પર પહોંચી હતી. ડુપ્લીકેટ ઘી ના પાઉચો ઓટો રીક્ષા (જીજે-01-ડીવી-7538) મા પોતાના કબ્જામાં રાખી તેનું વેચાણ કરતા હતા. આ રેઈડ પહેલા પોલીસે સુમુલ ડેરીના અધિકારીને પણ બોલાવી લીધા હતા. અને તેમને પણ સાથે રાખ્યા હતા. આ રીક્ષામાંથી સુમુલ શુધ્ધ ઘી ૧ લીટરના 70 હજારની કિમતના કુલ 130 પાઉચ મળી આવ્યા હતા. પોલીસે નકલી ઘીના પાઉચ, 3 મોબાઇલ ફોન અને ઓટો રીક્ષા મળી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ સાથે જ આરોપી રમઝાન ઉસ્માનગની શેખ (ઉ.વ.૫૦ રહે.અમરોલી આવાસ), ગોટુસિંગ ગોવિંદસિંગ રાજપુત (ઉ.વ.૪૧ ધંધો.મજુરી રહે-પાલનપુર પાટીયા જલારામ મંદીરની પાછળ, રાંદેર તથા મુળ પાલી, રાજસ્થાન) અને રતનલાલ માધવલાલજી પારેખ (ઉ.વ.૪૪, ધંધો.મજુરી રહે. ડીડોલી સંતોષ પાર્ક થથા મુળ ભીલવાડા, રાજસ્થાન) ને પકડી પાડ્યા હતા. પકડાયેલા ઘી ના જથ્થાની સુમુલ ડેરીના અધિકારી દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનુ જાણવા મળ્યું હતું. આ સિવાય તેના ઘરની તપાસ કરતા પતરાના ખાલી ડબ્બાના 51 નંગ ઇલેકટ્રીક હેન્ડલ પ્લાસ્ટીક સિલર મશીન, ઇલેકટ્રીક વજનનો કાટો, એલ્યુમિનિયમનુ તપેલુ, પ્લાસ્ટીકની ગરણી, પ્લાસ્ટીકનો જગ, ગેસનો ચુલો, ભારત ગેસનો બાટલો, તેમજ સુમુલ શુધ્ધ ઘી એક લિટરના પાઉચના ખાલી રેપરો, અને ઘી માં સુંગઘ લાવવા માટે એસેન્સની બાટલી મળી કુલ 1.58 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

વનસ્પતિ ઘી તથા સોયાતેલ મીક્ષ કરી એસન્સ નાખી બનાવાતો હતો ઘી
ગોટુસિંગ રાજપુતને ઘી કયાથી લાવ્યાનું પુછતા પોતે પોતાના ભાડાના મકાનમાં વનસ્પ્તિ ઘી તથા સોયાતેલ મિક્ષ કરી તેમા એસસંસ નાખી આ ઘી બનાવતો હોવાની કબૂલાત કરી હતી. ડુપ્લીકેટ ઘી ની ચકાસણી કરવા એસએમસી ફુડ વિભાગના અધીકારીને બોલાવ્યા હતા. આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા એક લિટરના સુમુલ ઘી ના 39 નંગ તેમજ ૫૦૦ મી.લી સુમુલ શુધ્ધ ઘીના પાઉચ 14 નંગ કબ્જે લીધા હતા.

Most Popular

To Top