SURAT

સુરતીઓના ડુમસના વિકાસનો માર્ગ હવે ખુલ્લો, 5.3 કિ.મી. એરિયામાં બનશે આવો ઈકો ટુરિઝમ પાર્ક

સુરત: સુરત મનપાના (SMC) તંત્રવાહકો છેલ્લા ઘણા વર્ષોથી સુરતવાસીઓને ડુમસના (Dumas Beach) દરિયાકિનારે ડુમસ સી-ફેસ (Sea Face) ડેવલપમેન્ટ પ્રોજેક્ટના સપના બતાવી, હરવા-ફરવાનું એક સારૂં સ્થળ ઉપલબ્ધ કરવાના વાયદા કરી રહ્યાં હતાં, જો કે ઘણા વર્ષો સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ પર ચાલ્યા બાદ મનપા કમિશનર શાલિની અગ્રવાલે સુરતનું સુકાન સંભાળતાની સાથે જ આ પ્રોજેકટને તબક્કાવાર આગળ વધારવાનું સ્ટેન્ડ અપનાવ્યું છે. જેમાં સરકારે પ્રથમ ફેઇઝ માટે જરૂરી જમીનની સુરત મનપાને સોંપણી કરી દેતાં હવે આ પ્રોજેકટમાં ગતિ આવવાની આશા ઉભી થઇ છે.

  • 1.22 લાખ ચોરસ મીટર જમીનનો કબજો મળ્યો
  • 107 હેક્ટરમાં ઈકો ટુરિઝમ પાર્ક ચાર ફેઈઝમાં બનાવવા આયોજન
  • ઈકો ટુરિઝમ પાર્કમાં 5.3 કિલોમીટર લાંબા દરિયાઈ તટ પર કુલ ચાર ઝોન બનશે

ડુમસ સી-ફેસ પ્રોજેકટ મહાનગરપાલિકાની ટી.પી.સ્કીમ હેઠળ પ્રાપ્ત થનાર 12.27 હેક્ટર જમીન ઉપરાંત 66.72 હેકટર સરકારી અને ફોરેસ્ટ વિભાગની આશરે 23 હેકટર જમીન મળી કુલ અંદાજીત 107 હેકટર વિસ્તારમાં ઇકો ટુરીઝમ પાર્ક (EcoTourisamPark) સાકારિત થશે. મનપા દ્વારા સતત પ્રયાસો છતાં આ પ્રોજેકટ પૈકી ઘણી જગ્યા સરકારી હોવાથી નકકર આયોજન થઇ શકતું નહોતું. તેથી આ જમીનો પૈકી હાલ મનપાના હિસ્સાની 12.27 હેકટરવાળી જમીન પર પ્રથમ તબક્કાનું વિકાસ કામ શરૂ કરવામાં આવશે.

આ જમીન મનપાને ટી.પી. સ્કીમની અમલવારીમાંથી મળી રહે તે માટે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ ૮૦ (સુલતાનાબાદ-ભીમપોર)ના બ્લોક/સર્વે નં ૧પ૧/પૈકી, પર, પ૩વાળી સરકારી જગ્યા મનપાને ઝડપથી મળી રહે તે માટે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચરના જાહેર હેતુ માટે આ ટી.પી.ના અંતિમખંડ નં. આર-૬૪ વાળી ૧,રર,૭પપ ચો.મી. તેમજ ડુમસ સી-ફેઝ પ્રોજેકટને અનુરૂપ ૧ર૦ મીટર ડી.પી. રસ્તા પર અલાઈમેન્ટ મુકવામાં આવ્યું છે.

આ માટે મનપા કમિશનર દ્વારા કલેકટરાલય સાથે સતત સંકલન સાધતા કલેકટરની મંજૂરી મળી ગઈ છે. જેના પગલે ડુમસ સી-ફેઝના પહેલા- ફેઝમાં જરૂરી જગ્યાનો કબજો સુરત મહાનગરપાલિકાને આજે સબંધિત અધિકારીઓ દ્વારા સતાવાર સોંપી દેવામાં આવ્યો છે. જેથી હવે આ પ્રોજેકટ ઝડપથી આગળ વધી શકાશે.

ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટમાં શું શું બનાવાશે?

  • દોઢથી બે કિમીના અંતરમાં બ્યુટિફિકેશન કરવામાં આવશે
  • પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇની પ્રતિમાંથી ચોપાટી અને છેક લંગર સુધીની જમીનમાં સંકલિત આયોજન કરીને વિકાસ કરાશે
  • ખાસ લાઈટિંગ, ફુવારા મુકાશે
  • અમુક અમુક અંતરે ફૂડ પ્લાઝા બનાવાશે
  • બાળકોને રમવા માટેના સાધનો સહિતના ઝોન બનાવાશે
  • સ્વચ્છતા જાળવવા આખા વિસ્તારમાં પેવર બ્લોક નંખાશે
  • સમગ્ર પ્રોજેક્ટમાં સુંદરતા માટે જીયોમેટ્રિકલ ડિઝાઈનો બનાવાશે

સાડા પાંચ કિ.મી.ના કોસ્ટલ વેથી માંડીને ઍમ્યુઝમેન્ટ, હોટેલ સહિતની ઍક્ટિવિટી હશે
આ પ્રોજેકટ એટલા માટે મહત્વનો છે કે ડુમસના દરિયા કિનારે વરસોથી અવાવરૂ પડી રહેલી જંગલ ખાતાની જમીન અને સરકારી જમીન જેમાં ગેરકાયદે પ્રવૃતિઓ પણ થતી રહે છે. તેના પર હરવા-ફરવાનું એક સુંદર અને વિશાળ સ્થળનો વિકાસ થશે. અહી ઇકો ટુરિઝમ પાર્કની સાથે ઍમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ, રેસ્ટોરા, વોટર સ્પોર્ટ સહિત આનંદ-પ્રમોદની તમામ એક્ટિવિટીની સુવિધા ઊભી કરાશે. દરિયા કિનારે સાડા પાંચ કિ.મી.નો કોસ્ટલ વે પણ બનશે.

ઝોન-1 અને ઝોન-2 મળીને કુલ 206.73 કરોડના અંદાજ મનપાએ મંજૂર કર્યા છે
ડુમસ સી- ફેસ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત સાકાર થનારા ઇકો ટુરીઝમ પાર્કમાં 5.3 કિ.મી. લંબાઈમાં દરિયાઈ તટ આવરી લેવામાં આવ્યો છે, તેમજ તેને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં ઝોન-1 અર્બન ઝોન, ઝોન-ર પબ્લિક સ્પેસ-ઈકો ઝોન, ઝોન-૩ ફોરેસ્ટ-ઈકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલિટી તેમજ ઝોન-૪માં ડુમસ પોર્ટ અને જેટીનો પુન: વિકાસ એમ ચાર ઝોનમાં પ્રોજેક્ટ સાકાર થશે.

અલગ-અલગ ઝોન પૈકી હાલમાં ઝોન 1 ને કુલ 2 પેકેજમાં ડેવલપ કરવામાં આવશે. જે પૈકી પેકેજ 1 અને પેકેજ 2 મળીને કુલ આશરે 206.73 કરોડના અંદાજને સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંજુરી આપવામાં આવી છે અને તે માટે જરૂરી જમીનનો કબજો મનપાને પ્રાપ્ત થતા કામગીરી સરળ બનશે.

Most Popular

To Top