સુરત: (Surat) શહેરનું ડુમસ રોડ (Dumas Road), પીપલોદ અને જીલાની બ્રિજ (Jilani Bridge) ધૂમ સ્ટાઈલમાં બાઈક (Bike) ચલાવનાર યુવાઓનો ફેવરિટ રોડ બન્યો છે. અહીં યુવાઓ મોડી રાત્રે બાઈક સ્ટંટ (Stunt) કરતા નજરે પડે છે. જે અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણીવાર વાયરલ પણ થયા છે. આ રીતે ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવી યુવાનો પોતાના અને બીજાના જીવને જોખમમાં નાંખી રહ્યા છે. જેને કારણે હવે સુરત પોલીસે આવા લોકો વિરૂદ્ધ લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં શનિવારે શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અજય તોમરે શહેરના ડુમસ રોડ તથા જીલાણી બ્રિજ ઉપર હાઈસ્પીડ વાહન હાંકનારાઓની સામે પગલા ભરવા આદેશ કર્યો છે.
પોલિસ કમિશનર અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં આજે 40મી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઓછુ થાય, વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અજય તોમરએ જીલાણી બ્રીજ, ડુમસ રોડ પર હાઈસ્પીડ પર ગાડી ચલાવનારા વાહનચાલકો પર દંડનીય કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. તથા હજીરા વિસ્તારની કંપનીઓના ટ્રક ચાલકો સર્વિસ રોડ પર પાર્કિગ કરવા બાબતે કડકાઈથી કામગીરી કરવા જણાવ્યું હતું. આ સિવાય નેશનલ હાઈવે પર જતા ભારે કોલસા ભરેલી ટ્રકો ઉપર ટર્પોલીન(તાડપત્રી) નહી ઢાંકવનારા ટ્રક ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા.
પાંચ મહિનામાં 406 લાયસન્સ સસ્પેન્ડ કરાયા, માર્ચમાં સૌથી વધારે 106 લાયસન્સ સસ્પેન્ડ કરાયા
બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે, આર.ટી.ઓ, આર.એન.બી. તથા પોલીસની સાથે મળીને કરેલી વિઝીટ મુજબ જિલ્લામાં 16 તથા સીટીમાં 7 બ્લેક સ્પોટ નિયત કરાયા છે. ડેન્જર રીતે વાહન ચલાવનારા વાહનચાલકોના જાન્યુઆરીમાં 102, ફેબ્રુઆરીમાં 104, માર્ચમાં 106, એપ્રિલમાં 60 તથા મે મહિના દરમિયાન 34 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.