સુરત: (Surat) સરથાણા જકાતનાકા પાસે સોફ્ટવેર ડેવલોપિંગની ઓફિસ (Office) ધરાવતા સોફ્ટવેર ડેવલોપરની એક મહિના પહેલા દુબઈમાં (Dubai) શરૂ થયેલી ઓફિસમાં ઇન્વેસ્ટ કરવા દિરામમાં રૂપિયાની જરૂર હતી. જેથી એક મિત્રના સંપર્ક થકી ટ્રાન્સફર કરેલા 60 લાખ રૂપિયા કંપની સુધી નહીં પહોંચાડી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસમાં નોંધાઈ હતી.
- ‘હું મની ટ્રાન્સફરનું કામ કરૂ છું. મારા બેંક એકાઉન્ટમાં રૂપિયા મોકલજો, હું રૂપિયા દુબઇમાં દિરામમાં ટ્રાન્સફર કરી દઇશ’
- દુબઈની સોફ્ટવેર કંપનીને દિરહામમાં નાણાં ટ્રાન્સફર કરી આપવાનું કહીને 60 લાખની છેતરપિંડી કરી
- સાયબર પોલીસે આરોપીના એકાઉન્ટ ફ્રીઝ કરી તપાસ માટે ટીમ ચેન્નઈ રવાના
કાપોદ્રા ખાતે આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય કેયુરકુમાર રમેશભાઇ બુસા સરથાણા જકાતનાકા પાસે રાયઝોન પ્લાઝામાં ટીમ આઇટેક પ્રાઇવેટ લિમિટેડ નામથી સોફ્ટવેર ડેવલોપિંગનું કામ કરે છે. તેમની કંપની દુબઇ ખાતે મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એલએલસી નામની કંપની સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. તેમના ભાગીદાર દુબઈની કંપનીનું હેન્ડલિંગ કરે છે. દુબઈમાં આવેલી કંપની એક મહિના પહેલા ચાલુ કરી છે. અને ત્યાં રૂપિયા દિરામમાં ટ્રાન્સફર કરી મોકલવાના હતા. જેથી તેમના મિત્ર પ્રેમસિંગે તેમનો સંપર્ક ઇરફાન ગુલાબ બાસા (રહે.૧૨૫/એ, ધ અગરીયાપુરમ, થંગલ, ત્રીરૂવોટ્યીર, ચેન્નઇ) સાથે કરાવ્યો હતો. ત્યારબાદ ઇરફાનને તેમના દુબઈના નંબર ઉપર સંપર્ક કરી દુબઇ ખાતે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરી હતી.
તેને જણાવ્યું હતું કે, ‘હું મની ટ્રાન્સફરનું જ કામ કરૂ છું. તમે મને મારા બેંક એકાઉન્ટમાં રૂપિયા મોકલી આપજો. હું તમારા રૂપિયા દુબઇ ખાતે દિરામમાં ટ્રાન્સફર કરી દઇશ’. ત્યારબાદ 2 માર્ચના રોજ આઈડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટ નંબરમાં 7.50 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. તે રૂપિયા દુબઈ ખાતેની તેમની કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ 17 માર્ચે 15 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. 20 માર્ચે 10- 10 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. અને ત્યારપછી 21 માર્ચે અલગ અલગ એકાઉન્ટમાંથી બીજા 12.50 લાખ, 10 લાખ અને 17.50 લાખ મળીને કુલ 60 લાખ રૂપિયા એનઈએફટીથી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેઓએ મેગ્નેટો ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એલએલસી કંપનીના બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા નહોતા. બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો. જેથી તેમની સાથે ચીટીંગ થયાની જાણ થતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીના એકાઉન્ટ તાત્કાલિક ફ્રિઝ કરીને એક ટીમ તપાસ માટે ચેન્નઈ મોકલી આપી છે.