સુરત: (Surat) સુરતના રાંદેરમાં કાપડનો વેપારી (Trader) એમડી ડ્રગ્સ (Drugs) સાથે પકડાયો હતો ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલા વેપારીએ પોતાના ખર્ચ પુરા કરવા માટે છેલ્લે ડ્રગ્સનું વેચાણ કરવાનું શરૂ કરી દીધું હતું. રાંદેર પોલીસે 1.49 લાખના ડ્રગ્સ સાથે તેને પકડી પાડતા આ બાબતનો ઘટસ્ફોટ થયો હતો.
- વેપાર માટે મુડી, મોજશોખ, જીમના પૈસા અને પોતે ડ્રગ્સનું સેવન કરતો હોવાથી ખર્ચા કાઢવા ડ્રગ્સ વેચવા લાગ્યો
- નાનપુરામાં રહેતા ફુરકાન સૈયદ પાસેથી ડ્રગ્સ ખરીદી પોતે છુટકમાં વેચાણ કરતો હતો
- રાંદેરમાં કાપડનો વેપારી 1.49 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયો
રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનું સૌથી મોટુ દૂષણ છે. રાંદેર પોલીસની ટીમે હાલમાં ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને પકડી પાડવા વોચ રાખી હતી. દરમિયાન પીએસઆઈ બી.એસ.પરમાર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે રાંદેર મોરાભાગળ બી.આર.ટી.એસ. સામે ફરહાન ફારૂક કુંડલીયા નામનો વ્યક્તિ પોતાની સ્વીફટ કારમાં એમડી ડ્રગ્સ સાથે આવવાનો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ત્યારે એક સ્વીફટ કાર (જીજે-05-આરપી-2532) સામેથી આવી હતી. કારમાં ૧૪.૯૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપી ફરહાન ઉર્ફે ફરહાન મેમણ મોહમદ ફારૂક કુંડલીયા (ઉ.વ.૩૪ રહે.ફ્લેટ નં-બી ૧૦૧, ઘેરીબી વીકટોરીયા એપાર્ટમેન્ટ, ભાણકી સ્ટેડીયમની પાછળ મોરાભાગળ રાંદેર તથા મુળ હજીર મસ્જીદ સામે રાંદેર) ને પકડી પાડ્યો હતો. ફરહાન ઉર્ફે ફરહાન મેમણને ડ્રગ્સના જથ્થા બાબતે પુછપરછ કરતા તે ફુરકાન સૈયદ (રહે.નાનપુરા) ની પાસેથી છેલ્લા ઘણા સમયથી ખરીદ કરી પોતે છુટકમાં અલગ અલગ ગ્રાહકોને વેચાણથી આપતો હોવાની કબૂલાત કરી હતી.
આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, તેને મોટા પાયે ઓનલાઈન કપડાનો વેપાર કરવો છે. પરંતુ પુરતી મુડી ન હોવાથી તેમજ જીમની ફી અને તે સિવાયના ખર્ચા પણ વધારે છે. તથા પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે. જેના કારણે પૈસાની ખૂબ જરૂર પડતી હોવાથી ટુંક સમયમા પૈસા કમાવવા માટે તેમજ પોતાની જરૂરીયાત પુરી કરવા માટે પોતે એમ.ડી.નું વેચાણ ચાલુ કરી દીધું હતું. પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસે 1.49 લાખના ડ્રગ્સ સિવાય, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 7.72 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.