SURAT

સુરત: બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવનારની ખૈર નથી, કડક પગલા ભરાશે

સુરત(Surat): હવે બીઆરટીએસમાં (BRTS) ગાડી ચલાવી છે તો ખૈર નથી. કમિ અજય તોમરે આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. શહેરમાં અકસ્માતોનું (Accident) પ્રમાણ ઘટે તથા ટ્રાફિક (Traffic) નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી (Road Safety) કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પોલીસ કમિશનરે બીઆરટીએસ રૂટની અંદર વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

બેઠકમાં પોલીસ કમિશનરે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત બી.આર.ટી.એસ. કોરિડોરમાં ભયજનક રીતે વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે પોલીસ બંદોબસ્ત જરૂર પડે ત્યારે ડી.સી.પી. મારફતે પોલીસ કમિશનર કચેરીને અરજી કરવાથી સત્વરે બંદોબસ્ત મળી જશે. ખાસ કરીને સાંજના સમયે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવા જણાવ્યું હતું.

આ સિવાય બેઠકમાં મનપા દ્વારા રખડતા ઢોર બાબતે જુન-જુલાઈ માસ દરમિયાન ૫૪૯ પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. તેમજ રૂ.૮ થી ૯ લાખ જેટલા દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર એચ.આર.ચૌધરી, નાયબ પોલીસ કમિશનર(ટ્રાફિક) અમિતા વાનાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

3 માસમાં ઓવર સ્પીડના 4021, સ્પીડ ગનના 8 હજાર અને રોંગ સાઈડના 120 કેસ કરાયા
છેલ્લા ત્રણ મહિનામાં ટ્રાફિક શાખા દ્વારા ઓવર સ્પીડના ૪૦૨૧ કેસો, સ્પીડ ગનના ૮૦૦૦ તથા રોગ સાઈડના ૧૨૦ કેસો કરવામાં આવ્યા છે. ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા પે એન્ડ પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત એસ.વી.એન.આઈ.ટી.ના વિદ્યાર્થીઓ સાથે રહીને શહેરમાં પાર્કિગ માટેની એપ બનાવવાની ચર્ચા થઈ હતી.

વીકએન્ડમાં રસ્તા પર દબાણ કરતા લારીઓ સામે પગલા લેવા આદેશ
બેઠકમાં નવી આર.ટી.ઓમાં ૨૩૫ જેટલા વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસો પાઠવવામાં આવી હોવાની વિગતો આપી હતી. શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા પણ આદેશ કરાયો છે.

Most Popular

To Top