સુરત: શહેરના સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં સામી દિવાળીએ (Diwali) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સ્ટેઇનલેસ સ્ટીલ બ્રેસલેટની (Bracelet ) આડમાં 3 કિલો સોનું (Gold), 122 કેરેટ હીરા (Diamond) અને બ્રાન્ડેડ ઘડિયાળો (Watches) કબજે લઈ મિસ ડિક્લેરેશનનું (Miss Declaration ) કૌભાંડ (Scam) પકડી પાડ્યું હતું.
- સચિન સ્થિત સુરત સેઝમાં DRIનું સર્ચ : સોનું, હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો જપ્ત
- ડીઆરઆઈએ 3 કિલો સોનું, 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો કબજે લઈ મિસ ડિક્લેરેશનનું કૌભાંડ પકડ્યું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે તા.17 ઓક્ટોબર-2022ના કન્ટેનરની તપાસ કરતાં માલ મંગાવનાર પાર્ટીએ સ્ટેઇનલેસ સ્ટીલ બ્રેસલેટ હોવાનું જણાવ્યું હતું. પણ કન્ટેનર ખોલવામાં આવતાં તેમાંથી 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો મળી 1.75 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆરઆઈએ તાજેતરમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કરેલી સર્ચ (Search) કાર્યવાહીમાં દાણચોરીથી (Smuggling) લવાયેલી 200 કરોડની વસ્તુઓ જપ્ત કરી હતી.
ડીઆરઆઈ સુરતના અધિકારીઓને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈમ્પોર્ટ કરવામાં આવેલી વસ્તુઓ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ હોવાની ખોટી માહિતી રજૂ કરી સુરત સેઝમાં સોના, હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો જેવી વસ્તુ ઇમ્પોર્ટ કરવામાં આવી હતી. કન્ટેનરમાં છુપાવેલી વસ્તુઓને કસ્ટમ ડ્યૂટીથી (Custom Duty) બચાવીને સેઝ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કન્ટેનરની તપાસ કરવામાં આવતાં તેમાંથી 1 કિલો સોનાના 3 બિસ્કિટ, 122 કેરેટ વજનના હીરા, રોલેક્સ અને કાર્ટિયર બ્રાન્ડ્સની 3 પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો, જુદા જુદા ડાયલ્સ, સ્ટ્રેપ જેવી બ્રાન્ડેડ ઘડિયાળોના પાર્ટ્સ સહિત 1.75 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત ડીઆરઆઈ દ્વારા આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ અને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. ભૂતકાળમાં પણ સચિન સેઝની બહારથી અનેકોવાર ડીઆરઆઈ દ્વારા ડ્યૂટી ભર્યા વિનાનો મિસડેકલેરેશન કરાયેલો દાણચોરીનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે ત્યારે અહીં એક એવી ચર્ચા ઉઠી છે કે દર વર્ષે દિવાળી ટાણે જ કેમ ડીઆરઆઈ દ્વારા આવા ક્વોલિટી કેસ બુક કરવામાં આવે છે. આખું વર્ષ શું કોઈ ડ્યૂટી ચોરી થતી નથી? કશું ક ખોટું થતું હોવાની આશંકા ઉભી થઈ રહી છે.