સુરત: (Surat) સરથાણા પાસે એક યુવક રાત્રીના સમયે ઢોસા ખાવા માટે ઢાબામાં ગયો, ઢોસા ખાઇને અડધા કલાક બાદ તે બહાર આવ્યો ત્યારે ત્યાં તેની બાઇક (Bike) ન હતી. યુવકે બાઇકને ડાયરેક્ટ શરૂ કરીને ચોરી કરી હોવાની શંકાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. બાઇકની ચોરી થતાં પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આકોલાળી ગામના વતની અને સુરતના નાના વરાછામાં આવેલા યોગેશ્વર રો હાઉસ શ્યામધામ ચોક ખાતે રહેતા કલ્પેશભાઈ વેલજીભાઈ વડસક (ઉ.વ.આ.36) એમ્બ્રોઈડરનો વ્યવસાય કરે છે. 10 દિવસ પહેલા કલ્પેશ સરથાણા બીઆરટીએસ રોડ ઉપર સેતુબંધ હાઇટ્સની સામે આવેલા લા-પેપર ઢાબા પાસે ઢોસા ખાવા માટે ગયો હતો.
કલ્પેશે પોતાની ડ્રીમ-યોગા બાઇક ઢાબાની બહાર સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી, અડધા કલાક બાદ તે જમીને પરત આવ્યો ત્યારે સર્વિસ રોડપર બાઇક જોવા મળી ન હતી. ઢાબા ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં કોઇ બ્લુ કલરનો શર્ટ પહેરીને આવેલો યુવક ગાડી લઇ જતો જોવા મળ્યો હતો. આ યુવકે બાઇકને ડાયરેક્ટ શરૂ કરીને ચોરી કરી હોવાની શંકાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખટોદરામાં જાહેર શૌચાલયમાં અંધ વ્યક્તિના રૂ. ૨ હજાર લૂંટી લેવાયા
સુરતઃ ખટોદરા મદ્રાસી કમ્પાઉન્ડ શિવાજીનગર ખાતે પે એન્ડ યુઝ શૌચાલયમાં મંગળવારે સાંજે આવેલા બે અજાણ્યાઓએ એક અંધ વ્યક્તિ પાસેથી ૨ હજારની લુંટ કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનાં નોંધાઈ હતી. આસપાસના લોકોએ એકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ મુળ બિહારનો વતની અને હાલ ખટોદરામાં મદ્રાસી કમ્પાઉન્ડ શિવાજીનગર ખાતે પે એન્ડ યુઝ શૌચાલયમાં સફાઈનું કામ કરતા ૧૯ વર્ષીય ચંદનકુમાર પપ્પુ પાસવાને શૌચાલયમાં આવેલા એક અંધને લૂંટી લેવાયાની ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે સાંજે તે શૌચાલયમાં બેઠેલો હતો ત્યારે એક મોપેડ ઉપર બે અજાણ્યા આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલો શખ્સ શૌચાલયમાં આવ્યો હતો. દરમિયાન શૌચાલયમાંથી એક અંધ વ્યક્તિ સુરેન્દ્ર બહાર આવતો હતો. ત્યારે તેના શર્ટનો કોલર પકડી ખિસ્સા ચેક કરી તેને એક ઝાપટ મારી ‘તારી પાસે જે હોય તે આપી દે’ તેમ કહીને અંધ સુરેન્દ્રના પેન્ટના પાછળના ખીસ્સામાંથી રોકડા ૨ હજાર તથા તેનું આધાર કાર્ડ લઇને તેને નીચે પાડી ફેંટો મારી ભાગી ગયો હતો.
પરંતુ તે ભાગે તે પહેલા બૂમાબૂમ સાંભળી લોકોએ મોપેડ ચાલકને પકડી પાડ્યો હતો. તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ અજીત વિશ્વનાથ પાસવાન (ઉ.વ.૨૯ રહે, શૌચાલય અનવરનગર અંજના સ્કૂલની પાસે ઇ.સી.ટી. માર્કેટ સામે ગરનાળા પાસે, સલાબતપુરા)નો હોવાનું જણાવ્યું હતું તથા તેના સાગરિટનું નામ અનુ જણાવ્યું હતું. ખટોદરા પોલીસે બંને સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.