SURAT

લો બોલો.. રખડતાં કુતરાઓએ સુરત મહાનગર પાલિકાની ટીમને જોધપુર અને હૈદરાબાદ સુધી દોડાવ્યા

સુરત: (Surat) રખડતાં કૂતરાઓના (Dog) હુમલાનો ભોગ બનીને સુરત શહેરની બે માસુમ બાળકીઓ ભયંકર મોતને ભેટી છે, રોજ સંખ્યાબંધ લોકોને કૂતરાઓ કરડી ખાઈ છે અને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને સ્મીમેરમાં ભોગ બનેલાની કતારો લાગે છે. છેવટે સ્થિતિની ગંભીરતા સમજીને સુરત મ્યુ. કમિશનરે રખડતાં કૂતરાઓને રાખવાની વ્યવસ્થા જોવા મનપાના માર્કેટખાતાની ટીમોને જોધપુર અને હૈદરાબાદ દોડાવી છે. આ બંને શહેરોમાં રખડતાં કૂતરાઓને રાખવા માટેની સુયોગ્ય વ્યવસ્થા નિયત કરાઈ છે.

  • રખડતાં કૂતરાઓને રાખવાની વ્યવસ્થા જોવા મનપાની ટીમને કમિશનરે જોધપુર અને હૈદરાબાદ દોડાવી
  • સુરતમાં રખડતાં કૂતરાઓના ત્રાસને નાથવા છેવટે વહીવટીતંત્ર સળવળ્યું
  • માર્કેટ વિભાગની ટીમે જોધપુરના કુત્તેવાડામાં 1000થી વધુ કુતરાઓને રાખવાની વ્યવસ્થા કેવી છે તેનું નિરિક્ષણ કર્યું

શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક સામે અત્યાર સુધી માર્કેટ વિભાગે માત્ર કૂતરા પકડવા માટે જતી બે ટીમો વધારી હતી અને વધુમાં વધુ ખસીકરણ કરવામાં આવી રહ્યું હોવાની રેકર્ડ અત્યાર સુધી વગાડયા કરી છે ખરેખર તો આટલા વરસોથી ખરેખર નિયમ મુજબ ખસીકરણ થયું છે કે નહિં તે પણ એક સવાલ જ છે. માર્કેટ ખાતાના કહેવા મુજબ તેઓ પાસે પકડાયેલા કૂતરાંઓને રાખવા માટે તથા ખસીકરણ કરાયેલા કૂતરાંઓ રાખવા માટેની જગ્યા મર્યાદિત છે. જેથી મનપાના માર્કેટ વિભાગની ટીમ રાજસ્થાનના જોધપુર તથા હૈદરાબાદમાં વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા છે. જોધપુર વિઝીટ બાદ મનપાની ટીમ હૈદરાબાદ જશે.

જોધપુરમાં કુત્તેવાડામાં 1000થી વધુ કૂતરાંઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને પગલે મનપાની ટીમે આ વ્યવસ્થા જોવાનું નક્કી કર્યુ હતું. જેથી મનપાની માર્કેટ વિભાગની ટીમ જોધપુર પહોંચી હતી અને અહી જોધપુરમાં 1000થી વધારે કૂતરાઓને રાખવાની વ્યવસ્થા કેવી છે તે અંગે સ્થળ વિઝીટ કરી હતી. હૈદરાબાદમાં પણ પકડેલાં કૂતરાઓ રાખવા માટેની ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના પગલે જોધપુરથી ટીમ સીધી હૈદરાબાદ પહોંચશે જેથી સુરત શહેરમાં તેનું કઈ રીતે ઈમ્પિલીમેન્ટેશન કરી શકાય તે અંગે અભ્યાસ કરાયો હતો.

Most Popular

To Top