SURAT

લાયસન્સ પ્રથા સામે સુરતના ડોગ લવર્સનો વિરોધ, કલેક્ટરને આવેદન આપ્યું

સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના માલિકો માટે નવા નોટિફિકેશન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો હવે ભારે વિરોધ શરૂ થયો છે. ડોગ્સ ઓનર એન્ડ વેલ્ફેર કમીટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચના આપવામાં આવી છે કે પાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો મનમાની અને બિનકાયદેસર છે.

આવેદનમાં જણાવાયું કે ગુજરાત સરકાર વર્ષોથી પ્રાણી રજિસ્ટ્રેશન અને ટેક્સ સંબંધિત નિયમોને અનુસરી રહી છે. પરંતુ સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવા નિયમોમાં પાડોશીઓની સહિ અને પ્રમાણપત્ર લેવાની ફરજ, તથા વિવિધ અસંવિધાનિક પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે, જેને લઇને પ્રાણીઓના અધિકાર અને માલિકોની ઉપર ઘા થઈ રહ્યો છે.

આ મુદ્દે સંગઠનના હોદ્દેદારોએ કટાક્ષ કર્યો કે પાલિકા પોતાની મરજીથી 2008ના ફોર્મના આધારે નવી મનઘડંત નીતિઓ અમલમાં મૂકી રહી છે, જેના માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. ભારત સરકારના કાયદાના માપદંડોનું પાલન પણ કર્યું નથી. ભારતના બંધારણમાં પણ પ્રાણીઓ પર દયા અને અનુકંપા રાખવાની જોગવાઈ છે. જોકે પાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમો કાયદાકીય મંજૂરી વિના લાગુ કરવા આવી રહ્યા છે.

આવેદનમાં જણાવાયું કે આ મુદ્દે સત્તાવાર રીતે સરકારનું ધ્યાન દોરાવવામાં આવ્યુ છે અને પાલિકા પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સંસ્થા દ્વારા કલેક્ટર કચેરી બહાર દેખાવો પણ યોજવામાં આવ્યા હતા અને માંગ કરવામાં આવી કે પાલિકા તરત આ બિનમંજૂર અને વિવાદાસ્પદ નીતિઓ પાછી ખેંચે.

એક ડોગ લવરે કહ્યું કે, મારી પાસે 2014થી ચાર ડોગ છે. તેનાથી કોઈને તકલીફ નથી. મનપાએ હવે એવો નિયમ બનાવ્યો છે કે એકથી વધુ ડોગ રાખી શકાય નહીં. તો શું મારે ત્રણ ડોગ રસ્તા પર છૂટા મુકી દેવાના. મનપા સ્ટ્રીટ ડોગને સાચવી શકતી નથી અને અમે ડોગને ઘરમાં રાખીએ છીએ તેની પર કાયદાનું કોરડો વિંઝે છે. એક ડોગ લવરે કહ્યું કે, મનપામાં લાયસન્સ લેવા ગયા તો ફેમિલિ ફોટોની માંગણી કરી. ડોગના લાયસન્સ માટે ફેમિલિ ફોટોની શું જરૂર તે સમજાતું નથી. ખોટી રીતે લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top