SURAT

શ્વાન કરડવાને કારણે સુરતમાં વધુ એક બાળકનું મોત, ભેસ્તાનના 5 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો

સુરત: (Surat) સુરતમા રખડતાં કુતરાઓ જાણે માનવભક્ષી બન્યા હોય તેમ બાળકોના (Children) જીવ લઈ રહ્યાં છે. ભેસ્તાનમાં વધુ એક બાળકને કુતરાં (Dog) કરડતા 5 વર્ષના બાળકનો જીવ ગયો છે. સાહિલ નામના બાળકનું મોત થયું છે. ભેસ્તાન ફાયર સ્ટેશન સામે આકાશ એપાર્ટમેન્ટ (Apartment) પાસે બપોરે 1 કલાકે આ ઘટની બની હતી. અહીં એક કન્સટ્રક્શન સાઈટ પર કામ કરતા માતા-પિતા સાથે બાળક ત્યાં હાજર હતો. તે સમયે તેના પર પાંચથી છ કુતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.

સુરતમાં દિવસે દિવસે બાળકો પર શ્વાન દ્વારા હુમલો કરવાના કિસ્સા વધતાં જાય છે ત્યારે તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ફક્ત ડોગ બાઈટ જ નહીં પણ રાત્રિના સમયે વાહન ચાલકોની પાછળ દોડતાં કુતરાઓના કારણે અકસ્માતના કિસ્સા પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ એક બાળકી પર હુમલો કરવાને કારણે બાળકીનું મોત થયાની ઘટના સામે આવી હતી. એક બાળકીનો ગાલ અને માથાનો ભાગ જ કુતરાઓએ ફાડી ખાધો હતો. ત્યારે બુધવારે 22 માર્ચના રોજ વધુ એક ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં રોડ કંસ્ટ્રક્શનનું કાર્ય કરી રહેલા કામદારનો પાંચ વર્ષીય સાહિલ નામનો દિકરો સ્થળ પર રમી રહ્યો હતો. તે સમયે પાંચ-છ કુતરાઓનું ટોળું તેની ઉપર તૂટી પડ્યું હતું. ગંભીર હાલતમાં બાળકને નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ત્યાંથી તેને સિવિલ હોસ્પિટલ રેફર કરાયો હતો. જોકે દરમ્યાન બાળકે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાળકના શરીર પર લગભગ 30 જેટલા ડોગ બાઈટના નિશાન મળી આવ્યા છે. એક સાથે આટલા બધાં કુતરા બાળક પર તૂટી પડતાં સ્થળ પરના લોકો તેને બચાવે તે પહેલાં જ તે ગંભીર રીતે ઘવાયો હતો. આ પહેલાં સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. 30 સેકન્ડથી વધુ સમય સુધી કુતરાઓએ બાળકી પર હુમલો કરી તેને ઘાયલ કરી હતી.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેથી ઘટના કઈ રીતે બની તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે. તો બીજી તરફ સુરત મહાનગર પાલિકાની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. હાલમાં જ પાલિકાની ટીમ શ્વાનને કંટ્રોલમાં કરવા માટેની કામગીરી જોવા જોધપુર શહેરમાં જઈ આવી છે પરંતુ ત્યારબાદ પાલિકા દ્વારા આ સંદર્ભે કોઈ ખાસ કામગીરી કરી હોય તેવું દેખાઈ રહ્યું નથી.

Most Popular

To Top