સુરતઃ (Surat) શહેરના પાંડેસરા ખાતે પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ (Dead Body) રસ્તા પર મુકી દેવાના કેસમાં પાંડેસરા પોલીસે ગઈકાલે ફરિયાદ દાખલ કર્યા બાદ આજે ડોક્ટરની ધરપકડ (Arrest) કરી હતી. બિલના પૈસા નહી ભરાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરે (Doctor) દર્દીનો મૃતદેહ રસ્તા પર મુકી દીધો હતો. હોસ્પિટલે કોરોના દર્દીની માહિતી મનપાથી છુપાવવા બદલ પણ ફરિયાદ દાખલ થઈ હતી.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતા ભગવાન નાયકને ગત 13 એપ્રિલે કોવિડ -૧૯ ના લક્ષણો જણાતાં પાંડેસરા ખાતે આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ત્રણેક દિવસ પહેલા રાત્રે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ડોક્ટરોએ મૃતકના પિતા ત્રિનાથ નાયકને જાણ કરતાં તેમને હાલ બિલના પૈસા નહી હોવાને કારણે સવારે બિલ ભરીને મૃતદેહ લઈ જવાનું કહ્યું હતું. બીજા દિવસે સવારે મૃતકના પિતા સહિતના પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો વિરૂદ્ધ આક્ષેપ કરી બિલ ભર્યું નહોતું. જેથી હોસ્પિટલના સંચાલકોએ મૃતદેહ રસ્તા પર રઝળતો મુકી દેતાં હોબાળો થયો હતો. બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે ગઈકાલે મનપાના કર્મચારી વિજયભાઈએ પ્રિયા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર પટેલની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીની માહિતી છુપાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસે આજે ડો.જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી છે.
સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ હોવાનું કહી સારવાર નહીં કરનાર ડોક્ટરની ધરપકડ
સુરત: વરાછાની મારુતિ હોસ્પિટલમાં સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ હોવાનું કહી સારવાર નહીં કરી દર્દીનાં મોત નીપજાવનારા બે તબીબની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, લંબેહનુમાન રોડ, ત્રિકમનગર હેપ્પી બંગ્લોઝમાં રહેતા વિરલભાઇ રમેશભાઇ કોરાટ હાલ કેબલ ઓપરેટરના વ્યવસાય કરતા હતા. તેમની તબિયત ગત તા.24 જુલાઇ-2020ના રોજ બગડી હતી. જ્યાં ડો.ભરત ખોખાણી પાસે રિપોર્ટ કઢાવતાં વિરલનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે વરાછાની મારુતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ડો.મહેશ તુલસીભાઇ નાવડિયા અને ડો.ઘનશ્યામભાઇ ભીખુભાઇ સુહાગીયા સોનોગ્રાફી રિપોર્ટ કઢાવી પેટમાં તથા ફેંફસામાં પાણી ભરાયું છે, જેથી પેટમાં દુખાવો થાય છે.
ડેન્ગ્યુમાં સામાન્ય રીતે આવું થતું નથી. હાલ ઝાડાની દવા આપું છું. ડેન્ગ્યુ હોવા છતાં સાદો ડેન્ગ્યુ છે તેમ કહ્યું હતું. ત્યારબાદ બંને તબીબે દર્દીના સગા સાથે ઉશ્કેરાઇ જઈ દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જાવ તેમ કહી દીધું હતું. દરમિયાન વિરલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે વિરલના બનેવી પારસભાઇએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે જે-તે સમયે અરજી લીધા બાદ ગત તા.8 જાન્યુઆરીએ બંને તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન ગઇકાલે વરાછા પોલીસે ડો.મહેશ તુલશીભાઇ નાવડિયા અને ડો.ઘનશ્યામભાઇ ભીખુભાઇ સુહાગીયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.