સુરત: (Surat) ઔદ્યોગિક કોલસા, કલર, કેમિકલ અને ડાઇઝના સતત વધી રહેલા ભાવો વચ્ચે કેટલાક મિલ માલિકોએ રો-મટીરીયલની સંગ્રહખોરીનો મુદ્દો ઊભો કરી નવેમ્બર મહિનાના તમામ 30 દિવસ મિલ બંધ રાખવા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ (Textiles) પ્રોસેસર્સ એસોસિએશન સમક્ષ માંગ કરતા શનિવારે એસજીટીપીએ (SGTPA) ની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રમુખ જીતેન્દ્ર વખારીયા ઉપપ્રમુખ વિપુલ દેસાઇ અને પાંડેસરા એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાન દ્વારા યાર્ન ડિલર્સ, ફોગવા અને ટ્રેડર સહિતના સંગઠનોએ મિલ લાંબો સમય બંધ નહીં રાખવાની કરેલી રજૂઆતને પણ ધ્યાને લેવા અને તેના પર ચર્ચા કરવા દરખાસ્ત રજૂ કરી હતી. તેને પગલે સંપૂર્ણ સહમતિ સાથે SGTPA દ્વારા કાપડ માર્કેટ જેટલા દિવસ બંધ રહેવાની હોય તેટલા દિવસ માટે એટલે કે 4 થી 10 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે ટૂંકુ દિવાળી વેકેશન રાખવાનો નિર્ણય લીધો છે. 11મી નવેમ્બરથી કાપડની મિલો ફરી ધમધમતી થઇ જશે.
SGTPAના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે લી મેરીડીયનમાં યોજાયેલી બેઠકમાં 193 મિલ માલિકો હાજર રહ્યા હતા. જેમાં આખો મહિનો સંપૂર્ણપણે મિલ બંધ રાખવાનો વિચાર ફગાવી દેવામાં આવ્યો હતો. કોરોનાના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં ડિમાન્ડ ચાલી રહી છે અને સારો વેપાર થઇ રહ્યો છે ત્યારે યાર્ન ડિલર, વિવર્સ અને ટ્રેડર સહિત સમગ્ર ટેક્સટાઇલ ચેઇનમાં હિતને ધ્યાને રાખી મિલ માલિકોએ મિલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 15 નવેમ્બરથી હયાત જોબચાર્જ પર 15 ટકાનો વધારો કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. અને એ દિવસે ફરી SGTPAની સામાન્ય સભા બોલાવવામાં આવશે.
15 નવેમ્બરથી લગ્નસરાની સિઝન ચાલુ થાય છે: કમલવિજય તુલસિયાન
પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલવિજય તુલસિયાને સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું હતું કે મિલ માલિકોએ વર્તમાન કપરા સંજોગોમાં પોતાનું હિત ધ્યાને રાખવાને બદલે સ્પિનિંગ વિવિંગ અને ટ્રેડર્સનું હિત પણ ધ્યાને રાખવું પડશે. બધા એક મણકાના મોતી છે. તે ઉપરાંત 15મી નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરૂ થવાની છે તેને લઇને પણ કાપડની ડિમાન્ડ વધુ છે દોઢ વર્ષ પછી ઉદ્યોગની ગાડી પાટે ચઢી છે ત્યારે એક મહિનો મિલ બંધ રાખવાથી વિવિંગ અને પ્રોસેસિંગના કારીગરો પણ ભાગી જવાનો ભય રહે છે. તે ઉપરાંત સુરતના મિલ માલિકો એકલા મિલ બંધ રાખશે તો ધંધો સ્થળાંતર પણ થઇ શકે છે કારણ કે અમદાવાદ, બાલોતરા, પાલી, જેતપુર, ઇચલકરંજી, તિરુપુર, મથુરા, હૈદરાબાદ, બેંગ્લોર, સેલમ અને મહુ જેવા શહેરોમાં મિલો ચાલુ રહેવાની છે ત્યારે ગ્રાહક ડાઇવર્ટ થઇ શકે છે. એક મહિનો મિલ બંધ રાખવાથી વિજળી, ગેસ અને ફિક્સ ભાડુ ચૂકવવું પડશે. બેંકના હપ્તાઓ પણ ભરવાના રહેશે તે સ્થિતિમાં ભારણ ખુબ વધી જશે. તાજેતરમાં કોમ્પિટિશન કમિશને કોમ્પિટિશન એક્ટની જોગવાઇ પ્રમાણે સામુહિક રીતે પેપર મિલ બંધ રાખવા સામે ફટકાર લગાડી હતી. તે જોતા મિલ માલિકોએ સુરતના હિતમાં નિર્ણય લીધો છે.