સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી ઉદ્યોગ ધંધાઓ ચાલતા 2021ની દિવાળી મધ્યમવર્ગથી લઇ અપર મધ્યમવર્ગ સુધીની સુધરી હતી. આ વર્ષે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો અને સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી વેકેશન (Diwali Vacation) અને ખેતીનું કામકાજ સંભાળવા વતને પહોંચ્યા હતા. શહેરના કાપડ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં કામ કરતા યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાવાસી કામદારો લાખોની સંખ્યામાં વતને (Hometown) પહોંચ્યા હતા. બીજી તરફ મહેસાણા અને સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો પણ પરિવારો સાથે વતને જતા વિકેન્ડમાં શહેરના રસ્તાઓ સુમસાન (Roads empty) થયા છે. ખાસ કરીને નવા વર્ષ અને ભાઇબીજના દિવસે સુરતના રસ્તાઓ 80ના દાયકાની જેમ ખાલીખમ જોવા મળ્યા હતા. જોકે લાભપાંચમથી શહેરમાં થોડી અવર જવર દેખાઈ હતી. પરંતુ હજી આવતા સોમવાર સુધી લોકો ફરવાના મૂડમાં હોવાથી સુરતનો માહોલ હજીય સુનસાન રહેશે તેવું જણાઈ રહ્યું છે.
શહેરના વરાછા ઝોન અને કતારગામ ઝોનના રસ્તાઓ પર વાહનચાલકોની ખુબ ઓછી હાજરી જોવા મળી રહી છે. એવી જ રીતે સુરતી પરિવારો વેકેશનમાં હરવા-ફરવાના સ્થળો પર પહોંચતા જાણે શહેરની 60 ટકા વસ્તી સુરતની બહાર ગઇ હોવાનો આભાસ થઇ રહ્યો છે. સુરતની કાપડ માર્કેટમાં આવેલી 70 હજાર દુકાનોમાં વેપાર કરતા રાજસ્થાની, પંજાબી અને હરીયાણવી વેપારીઓ સહ પરિવાર વતને ગયા છે. તેને લીધે માનવમહેરાણથી ઉભરાતો રિંગરોડ પણ નિર્જન ભાસી રહ્યો છે. લાભપાંચમના દિવસે કાપડ માર્કેટો ખુલી છે પરંતુ રાબેતા મુજબ વેપાર અગિયારસથી જ થશે.
જયાં વિકેન્ડમાં વેઇટીંગ જોવા મળતું હતુ તે રેસ્ટોરન્ટ ખાલીખમ
શહેરના પાલ ગૌરવપથ રોડ અને અઠવાલાઇન્સથી પીપલોદ સુધીની રેસ્ટોરન્ટમાં વિકેન્ડમાં જયાં વેઇટીંગની સ્થિતિ જોવા મળતી હતી તે રેસ્ટોરન્ટ શનિવાર અને રવિવારની રજાઓમાં ખાલીખમ જોવા મળી છે. એવી જ રીતે ન્યુ વેસુ વીઆઇપી રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં પણ ખુબ પાંખી સંખ્યામાં ગ્રાહકો જોવા મળી રહ્યા છે. વિકેન્ડમાં ઘરની બહાર ખાવા-પીવાના શોખીન લોકો ફરવા જતાં અને વતને પહોંચતા રેસ્ટોરન્ટ ખાલીખમ જણાઇ રહી છે.
ઉભરાટ, તિથલ, દમણ, સેલવાસ, માઉન્ટ આબુ, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરતી પ્રવાસીઓથી ઉભરાયા
સુરતના મધ્યમવર્ગના પરિવારોએ દિવાળી વેકશનમાં લો-બજેટ એરીયામાં ફરવા જવાનું પસંદ કરતા દક્ષિણ ગુજરાતની નજીક આવેલા ઉભરાટ, તિથલ, દમણ, સેલવાસ, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરતી પ્રવાસીઓથી ઉભરાયા છે. ગુજરાતની સરહદે ડાંગ જિલ્લાની નજીક આવેલા સાપુતારા પાસેના હથગઢ પ્રવાસન સ્થળે આવેલી હોટેલો અને રો-હાઉસમાં સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. બીજી તરફ બનાસકાંઠા-રાજસ્થાન હાઇવે પર આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ પ્રવાસીઓએ ધસારો કર્યો છે. મહારાષ્ટ્રના માથેરાન, પંચગીની અને મહાબલેશ્વરમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા સુરત જાણે ખાલીખમ જોવા મળી રહ્યું છે શક્યતા એવી છે કે અગિયારસના દિવસથી સુરતનું જનજીવન રાબેતા મુજબનું થશે.
સુરતમાં જે લોકો રહ્યા તેમણે ડુમસ અને ઉભરાટમાં ધસારો કર્યો
શહેરની 60 લાખની વસ્તીમાં રહેતા ગરીબ અને લોઅર મિડલક્લાસના લોકોએ નવાવર્ષ અને ભાઇબીજના દિવસે હરવા ફરવા માટે ડુમસ અને ઉભરાટ તરફ ધસારો કરતા પોલીસને એરપોર્ટ સાઇલન્ટ ઝોનથી ડુમસ તરફ જઇ રહેલા લોકોને પરત કરવા પડયા હતા. ડુમસ ચોપાટી, ડુમસ ચોકી નજીક આવેલી નાની ચોપાટી અને ડુમસ ગામના ઓવારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા ટ્રાફિક વ્યવસ્થા સાચવવા શુક્રવાર અને શનિવારે સાંજે 5:30 કલાકે એરપોર્ટ સાઇલન્ટ ઝોનથી ડુમસ તરફ જતો એક તરફનો રસ્તો પોલીસે બંધ કરાવ્યો હતો. એવી જ રીતે આ બે દિવસો દરમિયાન ઉભરાટના દરિયા કિનારે હજારોની મેદની ઉમટી પડતા મરોલી ચાર રસ્તાથી ઉભરાટ જતો મુખ્ય માર્ગ પોલીસે કોર્ડન કરી બંધ કરાવ્યો હતો. જેને લીધે વળતો ટ્રાફિક લાજપોર નજીક ઢાબાઓ અને રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. અહીં નોનવેજના શોખીનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.