સુરત, વ્યારા, માંગરોળઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ રાત્રિથી દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે વરસાદના લીધે નદીઓ બે કાંઠે થઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભુખી નદી બે કાંઠે થઈ હતી, જેના લીધે નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં રાતે લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. એસડીઆરએફની ટીમે 21 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. તાપી જિલ્લાના વ્યારામાં 8 ગામો સંપર્ક વિહોણા થયા છે.
સુરત જિલ્લામાં સિઝનનો 70.54 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ પલસાણા તાલુકામાં વરસ્યો
સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસની મેધરાજાએ મુકામ કર્યો છે. સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સુધીમાં છેલ્લા 10 વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામાણીએ ચાલુ સિઝનમાં તા.24મી જુલાઈ સુધીના આંકડા જોઈએ તો સૌથી વધુ પલસાણા તાલુકામાં 1475 મી.મી. એટલે કે સિઝનનો 99.15 ટકા વરસાદ વરસી ચુકયો છે.
જયારે બારડોલી તાલુકામાં 1242 મી.મી. એટલે કે 87.71 ટકા અને કામરેજમાં 1183 ટકા સાથે 89 ટકા વરસાદ પડયો છે. અન્ય તાલુકાની વિગતો જોઈએ તો ઉમરપાડા તાલુકામાં 1486 મી.મી. સાથે 65.67 ટકા, ઓલપાડમાં 828 મી.મી. સાથે 82 ટકા, ચોર્યાસી તાલુકામાં 555 મી.મી. સાથે 41.37 ટકા, મહુવામાં 1153 મી.મી. સાથે 75.48 ટકા, માંગરોળમાં 725 સાથે 42.11 ટકા, માંડવીમાં 636 મી.મી. સાથે 49.40 ટકા, સુરત સીટીમાં 1043 મી.મી. સાથે 73.74 ટકા વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં 1032 મી.મી. સાથે સિઝનનો સરેરાશ 70.54 ટકા વરસાદ વરસ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈમાં ઈનફલો વધ્યો
દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઉકાઈ ડેમમાં ઈનફલો એકાએક વધ્યો છે. ગઈકાલે તા. 23 જુલાઈની રાત્રિના 10 વાગ્યે ઈનફલો 20,906 ક્યૂસેક હતો જે આજે તા. 24 જુલાઈની સવારે 6 વાગ્યે વધીને 31,206 ક્યૂસેક પર પહોંચ્યો હતો. તેનો અર્થ કે રાત્રિના સમયે ઉપરવાસમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ સવારે 8 કલાકે 71,917 ક્યૂસેક અને 10 કલાકે ઉકાઈ ડેમમાં ઈનફલો એકાએક વધીને 1,58,242 ક્યૂસેક પર પહોંચ્યો હતો. તેના પગલે રાત્રિના 10થી સવારના 10 વાગ્યા દરમિયાનના માત્ર 12 કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો હતો. સવારે 10 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 315.07 નોંધાઈ હતી, જે તા. 23 જુલાઈની રાત્રિના 10 વાગ્યે 314.46 ફૂટ હતી. જોકે, હાલ ઉકાઈમાંથી આઉટફલો માત્ર 600 ક્યૂસેક જ છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસ્કયુ કરાયા
સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે. આજે તા. 24 જુલાઈના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના 2 વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા.
તત્કાલ માંગરોળના નાયબ મામલતદાર,તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ SDRFની ટીમને જાણ કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વ્યારાના 8 ગામો સંપર્ક વિહોણા થયા, લખાલીનો કોઝવે પાણીમાં ગરકાવ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં લખાલીથી રાણીઆંબા -ઢોંગીઆંબા ગામને જોડતા રસ્તાનું કોઝવે ઝાંખરી નદી પર આવેલ કોતર વધારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ હોય ઉપરવાસના આઠ જેટલા ગામો જેમાં લખાલી, ચિચબરડી, વડપાડા, વાલોઠા, ભુરીવેલ, રાણીઆંબા, ઢોંગીઆંબા, ઝાંખરી ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે. એની ઉપર લખાલી ગામે એક ઉચ્ચતર માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ હોય તમામ સેવાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બંધ કરવી પડી છે. ગ્રામજનો જીવનાં જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે.
સોનગઢના મોટા બાંધરપાડામાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 1ને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.