બારડોલી: (Bardoli) સુરત જિલ્લા (Surat District) પોલીસ વડાએ બારડોલી સહિત પાંચ પી.આઈ.ની (PI) આંતરિક બદલી (Transfer) પોલીસ (Police) બેડામાં ચર્ચાનો વિષય બની છે. નિવૃત્તિને આરે આવીને ઊભેલા બારડોલી ટાઉન પી.આઇ. એન.એમ.પ્રજાપતિની છેલ્લી ઘડીએ બારડોલી સીપીઆઇ તરીકે બદલી કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ભારણ ધરાવતા કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ.ને મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપતાં કામરેજ પી.આઈ. ભટોળની જવાબદારીમાં વધારો થયો છે.
- સુરત જિલ્લામાં પાંચ પીઆઈની આંતરિક બદલી
- બારડોલી ટાઉન પી.આઇ.ની સી.પી.આઈ. તરીકે બદલી, સી.પી.આઈ.ને મહુવા મુકાયા
- કામરેજ પી.આઈ. ભટોળની જવાબદારીમાં વધારો થયો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા પાંચ પી.આઈ.ની આંતરિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. પોલીસ વડા દ્વારા પી.આઇ. વી.એલ.ગાગિયાનો એ.એસ.ટી.યુ. ખાતે કરવામાં આવેલી બદલીનો હુકમ રદ કરી તાત્કાલિક અસરથી બારડોલી ટાઉન પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે. જ્યારે બારડોલી ટાઉન પી.આઇ. એન.એમ.પ્રજાપતિને બારડોલી સી.પી.આઈ. તરીકે બદલી કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ બારડોલી ટાઉનમાં પી.આઈ. તરીકે આવ્યા બાદ એન.એમ.પ્રજાપતિએ ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસાની સાથે સાથે ટાઉનમાં લોકપ્રિયતા પણ મેળવી હતી. પરંતુ કોઈક કારણોસર નિવૃત્તિને આરે હોય ત્યારે જ તેમની બદલી કરી દેવામાં આવતાં લોકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.
જ્યારે તેમની જગ્યાએ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા વી.એલ.ગાગીયાને બારડોલી ટાઉન પોલીસમથકમાં મૂકવામાં આવ્યા છે. બારડોલી સી.પી.આઈ. જે.એ.બારોટની મહુવા પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે. સુરત સી.પી.આઈ. જે.જી.મોડને પેરોલ ર્ફ્લોમાં બદલી કરી એલસીબી પી.આઈ. બી.ડી.શાહને પેરોલ ર્ફ્લોના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહિલા પોલીસમથકના પી.આઈ. સી.બી.ચૌહાણને એ.એચ.ટી.યુ. પી.આઈ. તરીકે બદલી કરી સુરત સીપીઆઇનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે કામરેજ પી.આઈ. ભટોળને મહિલા પોલીસમથકનો વધારાનો ચાર્જ સોંપી સૌથી વ્યસ્ત પોલીસમથકના પી.આઈ.ની જવાબદારીમાં ઔર વધારો કરાયો છે.
સુરત જિલ્લામાં પી.એસ.આઈ. કક્ષાના કેટલાક પોલીસ મથકમાં પણ હાલ પી.આઇ. કક્ષાના અધિકારીઓ ફરજ બજાવતા હોય અનેક પી.એસ.આઈ.ની હાલત જમાદાર જેવી થઈ ગઈ છે. પલસાણા અને માંડવી પોલીસ મથક પહેલાથી જ પી.આઈ. કક્ષાના અધિકારી સંભાળી રહ્યા છે ત્યારે મહુવા પોલીસ મથકમાં પણ પી.આઈ. બારોટને મૂકવામાં આવતા વધુ એક પી.એસ.આઈ. કક્ષાનું પોલીસ મથક પી.આઈ.ના અંડરમાં આવી ગયું છે. જેને કારણે જિલ્લામાં સ્વતંત્ર પોલીસ મથક ઇચ્છતા અને ટેન્ડર ભરીને આવેલા પી.એસ.આઇ.ઓમાં જિલ્લા પોલીસવડાના આ નિર્ણયથી નારાજગી જોવા મળી રહી છે.