દેલાડ: સુરત (Surat) જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં (General Meeting) એજન્ડા પરનાં 11 કામોને બહાલી આપવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય ઈશ્વર વહિયાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ શરૂ કરવામાં આવેલી સામાન્ય સભામાં મહત્ત્વના કામસમા જિલ્લા પંચાયતની માંડવી, ઝંખવાવ, વાંકલ, બારડોલી અને સુરત બસ સ્ટેન્ડ પાસે આવેલી પારેખ ધર્મશાળા પર પીપીપી ધોરણે શોપિંગ સેન્ટર (Shopping center) બનાવવા શાસકોએ સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો. ઉપરાંત ચોર્યાસીના મોરા અને દામકા ખાતે આવેલી જમીનોમાં નોટિફાઇડ વિસ્તારમાં જિલ્લા પંચાયત લોકલ ફંડની રકમ માંગણામાંથી કમી કરવા સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવી હતી.
- સુરત બસ સ્ટેન્ડ સામે આવેલી પારેખ ધર્મશાળાવાળી સોનાની લગડીસમાન જગ્યા ઉપર પણ શોપિંગ સેન્ટર બનાવાશે
સુરત જિલ્લા પંચાયતની દર ત્રણ માસે મળતી સામાન્ય સભા જિલ્લા પંચાયત કચેરી દરિયા મહલ સભાખંડ ખાતે પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. પ્રથમ મહુવાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી બે ટર્મ પ્રતિનિધિત્વ કરનાર નખશિખ પ્રમાણિક ઈશ્વરભાઈ વહિયાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં એજન્ડાનાં 11 કામને સર્વાનુમતે બહાલી અપાયા બાદ સુરત જિલ્લા પંચાયતની માલિકીની માંડવી, ઝંખવાવ, વાંકલ અને બારડોલી ખાતે જમીનો આવેલી છે, એ જમીનો ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડની છે. આ જમીનો અજીત ઇલેક્ટ્રોનિક્સની સામેની જગ્યા કહેવાય છે તથા સુરત બસ સ્ટેન્ડ પાસે આવેલી સોનાની લગડીસમાન પારેખ ધર્મશાળા પર શોપિંગ સેન્ટર બનાવી પીપીપી ધોરણે આપીને જિલ્લા પંચાયતની આવક ઊભી કરવા માટે સામાન્ય સભામાં મંજૂરી લેવામાં આવી હતી. જે દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની માલિકીની જિલ્લામાં હજારો હેક્ટર જમીન ફાજલ પડી રહી છે. જેના ઉપર કોઈ ત્રાહિત લોકો કબજો ન કરી જાય અને મિલકત સાચવવા હેતુ શાસકોએ શોપિંગ સેન્ટર બનાવીને પી.પી.પી. આપવાનો નિર્ણય કર્યો છે. જે નિર્ણય આમ તો આવકારદાયક હોવાનું મનાય છે. બસ સ્ટેન્ડ પાસે આવેલી જિલ્લા પંચાયતની માલિકીની જગ્યા જે કરોડો રૂપિયાની સોનાની લગડીસમાન છે. જે જગ્યાને સાચવવાનો પણ શાસકોનો મૂળભૂત હેતુ હોવાનું જાણવા મળે છે.